Thursday 9 March 2017

સ્વાસ્થ્ય (ફિટનેસ) શિક્ષણનો મહત્વનો હેતુ છે

ઓલ્મિપિક ટાસ્ક કોન્ફરન્સમાં મારો સમાવેશ કરાયો તે મારું સદ્ભાગ્ય છે. ઓલ્મિપિક મેડલ મેળવવું તે કેન્દ્રિત વિચાર છે પણ બીજો હેતુ ઓલ્મિપિક રમતને પ્રોત્સાહન આપવું અને જાગૃતિ ફેલાવવી તેવો છે. આપણે ફેરફારને નમૂનારૂપ બનાવીએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં સિદ્વિ પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરીએ તે પહેલા આપણે જે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે તે છે યુવાવર્ગની ફિટનેસ.

બાળકોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બન્યું છે અને સમસ્યા ઝડપી વેગે પ્રસરી રહી છે. તાજેતરમાં, CBSE દ્વારા સ્કૂલોને પરીક્ષામાં બાળકોને વધુ બ્રેક આપવા માટે કહેવામાં આવ્યું હતું જેથી કરીને ડાયાબિટીસથી પીડિત બાળકો તેના શરીરમાં સુગરનું બેલેન્સ જાળવી રાખવા માટે સમયાંતરે કશુક ખાઇ શકે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે સ્થૂળતા અને બિમારી નિરંકુશ બની રહી છે. મારા મંતવ્ય મુજબ આપણે રાજ્ય બોર્ડથી લઇને સીબીએસઇ સુધીના શૈક્ષણિક બોર્ડને અભ્યાસમાં રમતગમતને એક પ્રેક્ટિકલ વિષય તરીકે આવરી લેવા તેમજ ઉંમર અનુસાર અભ્યાસક્રમ બનાવીને નિયમીતપણે મૂલ્યાંકન કરવાની પદ્વતિનો અમલ કરવા માટે કહેવું જોઇએ. રમતગમતને માત્ર મનોરંજનની દૃષ્ટિએ જોવા કરતા વિદ્યાર્થીઓ જે રીતે વિજ્ઞાન અને ગણિતની પરીક્ષા આપે છે તે રીતે રમતગમતની પણ પરીક્ષા હોવી અનિવાર્ય છેતેના માર્ક્સ અને ગ્રેડની અંતિમ પરિણામમાં પણ ગંભીર અસર જોવા મળશે.

સામાન્યપણે, ઓલ્મિપિકમાં ભાગ લઇને મેડલ જીતવા માટે વધુ ભાગ લેનાર લોકોની જરૂરિયાત રહે છે. જો કે જ્યાં સુધી બાળકો ફિટ ના હોય તથા બાળપણથી રમતગમત પ્રત્યે સજાગ ના હોય તો આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમતમાં ક્વોલિફાય થવાની શક્યતા ખૂબ આંશિક રહે છે. અભ્યાસક્રમ બાળકો માટે ભારણરૂપ ના બની રહે તે ધ્યાન રાખવું પણ ખૂબ આવશ્યક છે. રમતગમતના અભ્યાસક્રમમાં તેઓની ઉંમરને આધારે કેટલીક સરળ પ્રવૃત્તિઓ જેવી કે દોડ, સંતુલન, દોરડાકૂદને સામેલ કરી શકાય છે તેમજ માર્કશીટમાં બાળકોને તેના માર્કસ અપાય તે આવશ્યક છેશૈક્ષણિક સંસ્થાઓએ તેના માટે જરૂરી આંતરમાળખુ સ્થાપિત કરવાની જરૂરિયાત રહે છે અને સ્કૂલના ટાઇમ ટેબલમાં પણ સમય સેટ કરવો જોઇએ. તદુપરાંત, જે માતાપિતા તેના સંતાનોની કાબેલિયતને વધુ સારી બનાવવા માગતા હોય તેઓ ખાસ કોચિંગ પણ પસંદ કરી શકે છે. તે માટે કોચ અને સુવિધાઓ પાછળ ખાનગી ભંડોળ આપવામાં આવશે. વર્તમાન સમયમાં આપણી વિચારધારા પણ માર્ક્સલક્ષી હોવાથી સ્પોર્ટ્સને ઓછુ મહત્વ અપાય છે. તેથી સ્પોર્ટ્સને અન્ય વિષયોની જેમ સમાન મહત્વ આપવાથી નિશ્વિતપણે ઓથોરિટી, માતાપિતા અને વિદ્યાર્થીઓ તેને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેશે

સ્કૂલ પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ સ્કોલરશિપની સુવિધા પૂરી પાડી શકે છે તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ તેની આવડતને વધુ ધારદાર બનાવી શકે તે હેતુસર સ્કૂલ ખાસ જોગવાઇઓ પણ બનાવી શકે છે. નોંધનીય છે કે હાયર ક્લાસમાં અભ્યાસ કરતા ઓછા પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓ પરિણામમાં અન્ય વિદ્યાર્થીઓની સરખામણી કરવા માટે તેની રૂચિનો ત્યાગ કરે છે. વિકાસાત્મક વર્ષો બાદ વિદ્યાર્થીઓ પર અભ્યાસનું દબાણ વધતા તેઓ શારીરિક કસરત પાછળ ઓછો સમય ખર્ચે છે જેના કારણે તેઓ આગળ જતા મેદસ્વી બને છે.

હકીકતમાં, કોલેજમાં પ્રવેશ અને અભ્યાસક્રમમાં પણ તેને સામેલ કરીને સ્પોર્ટ્સને વધુ મહત્વ આપી શકાય છે. આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સને ખાસ માન્યતા આપવામાં આવી છે અને સ્પોર્ટ્સમાં જે વિદ્યાર્થીઓ ચડિયાતા સાબિત થાય છે તેઓને જગ્યા માટે પસંદગી થવાના વધુ ચાન્સ રહે છે. જો IIT તેની પ્રવેશ પ્રક્રિયામાં પ્રકારના માપદંડો નક્કી કરે તો તેનાથી ચોક્કસપણે અડધુ કામ સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે. દર વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓ IIT JEEની પરીક્ષા આપે છે અને સ્કૂલના મધ્ય સમયગાળાથી તેની તૈયારી શરૂ કરે છે. તેથી જો વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનની સાથોસાથ સારી ફિટનેસ માટે પણ સજાગ થાય તો નિશ્વિતપણે તેઓ કુદરતી રીતે વધુ સ્વસ્થ રહેશે. જે રીતે તેઓ પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે જાગૃત રહે છે તે રીતે વિદ્યાર્થીઓ ક્વોલિફાય થવાના માપદંડ તરીકે સ્પોર્ટ્સને પણ ગંભીરતાપૂર્વક લેશે. IIT ઉપરાંત અન્ય કોલેજ પણ પ્રવેશ માટે સ્પોર્ટ્સને એક મહત્વના માપદંડ તરીકે રજૂ કરી શકે છે. તેનાથી પ્રત્યેક બાળક વધુ ચુસ્ત અને તંદુરસ્ત રહેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરશે અને દર વર્ષે ફિટનેસમાં સુધારો પણ જોવા મળશે. એક વાર પગલાના અમલીકરણ બાદ માતાપિતા પણ ફિટનેસને (સ્વાસ્થ્ય) વધુ મહત્વ આપશે.

તેથી, સ્કૂલમાં એક મહત્વના વિષયની સાથોસાથ કોલેજમાં પ્રવેશ માટેના અગત્યના માપદંડ તરીકે સ્પોર્ટ્સને માન્યતા આપ્યા બાદ બાળકોમાં ફિટનેસના સ્તરમાં સુધારો આવશે તેમજ ઓલ્મિપિક માટેના જરૂરી કૌશલ્યને પણ તેઓ ધારદાર બનાવી શકશે. 

No comments:

Post a Comment