Wednesday, 11 January 2017

ડિમોનેટાઇઝેશનથી શૈક્ષણિક પર થનારી અસર

તાજેતરમાં થયેલા ડિમોનેટાઇઝેશનની અસર અર્થતંત્રના દરેક સેક્ટર્સમાં જોવા મળી છે. બેન્કિંગ, ઇકોમર્સ, ટેલિકોમ જેવા સેકટર્સ પર તેની સકારાત્મક અસર થઇ છે જ્યારે વધુ રોકડ પર નિર્ભર એવા રિયલ એસ્ટેટ અને જ્વેલરી સેક્ટર પર તેની નકારાત્મક અસર જોવા મળી છે. દેશના શૈક્ષણિક ક્ષેત્ર પર પડતી ડિમોનેટાઇઝેશનની ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની અસરો પર ચર્ચા કરીશું.

દેશની કેટલીક સ્કૂલો અને કોલેજો કે જે માત્ર રોકડથી ફી સ્વીકારે છે તેમજ પગાર પણ રોકડથી ચૂકવે છે તેને ટૂંકા ગાળા માટે અસર થશે. માતાપિતાને કેટલાક મહિના રોકડની અછતનો સામનો કરવો પડશે તેમજ સ્કૂલ તરફથી ઉદારતાની અપેક્ષા રાખશે. શહેરોની સ્કૂલો અને કોલેજો મોટા ભાગે ચેક સ્વીકારતી હોવાથી શહેરમાં તેની અસર સામાન્ય રહેશે. દેશમાં કેટલીક એવી સંસ્થા છે જે પ્રવેશ આપવા માટે ડોનેશન તરીકે રોકડનો સ્વીકાર કરે છે તેથી અા પ્રકારની સંસ્થાઓને આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમજ તેના આર્થિક માળખામાં ફેરફાર કરવો આવશ્યક બની રહેશે.

અર્થતંત્રમાં રહેલી અસ્થિરતાથી શૈક્ષણિક સંસ્થાઓએ ફીમાં વધારો મધ્યમગાળા માટે ટાળવો જોઇએ. એક તરફ સાતમા પગાર પંચની ભલામણ ટૂંક સમયમાં અમલી થવાની છે ત્યારે બીજી તરફ દેશના અનેક માતાપિતાને રોજગારી આપતા રિયલ એસ્ટેટ, એગ્રીકલ્ચર તેમજ જ્વેલરી સેક્ટરને અસર થઇ છે. તેથી આગામી બે વર્ષ માટે દરેક કેપિટલ પ્રોજેક્ટમાં વિલંબ અનિવાર્ય છે તેમજ નિવાર્ય ખર્ચને દૂર કરવા જોઇએ.

શૈક્ષણિક સેક્ટર માટે લાંબા ગાળે ડિમોનેટાઇઝેશનના અનેક સકારાત્મક ફાયદાઓ રહેલા છે. હકીકતમાં અર્થતંત્રનું કોઇપણ સેક્ટર જે વાઇટ મનીમાં બેન્ક ફાઇનાન્સ અને આવક મેળવે છે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. શૈક્ષણિક ક્ષેત્ર પણ આ વિભાગમાં યોગ્ય બેસે છે. પહેલા, જમીન માલિકો પાસે તેની જમીન માટે માર્કેટ ઉપલબ્ધ નહીં હોય તેમજ તેઓ સ્કૂલના માલિકોને તેની જમીન લાંબા ગાળા માટે લીઝ પર આપવા માટે તૈયાર થશે. શૈક્ષણિક ક્ષેત્રને થતો લાભ રિયલ એસ્ટેટ સેક્ટર માટે નુકસાન બની રહેશે. જમીન માલિકોમાં આ જમીન લીઝ પર આપવાથી નિયમીતપણે મળતી સ્થિર આવકની આશા જોવા મળશે, આ પ્રકારની સ્થિર આવક વર્તમાન સમયમાં મેળવવી ખૂબ મુશ્કેલ છે. સ્કૂલના માલિકો સાનુકૂળ રીતે જમીન પ્રાપ્ત કરી શકશે તેમજ બેન્ક તેને આર્થિક સહાય આપવા માટે પણ તૈયાર રહેશે. બેન્ક શૈક્ષણિક ક્ષેત્રને ઉધાર રોકડ આપવા માટે સલામત ક્ષેત્ર માને છે. બેન્ક પાસે રહેલા વિશાળ ભંડોળને કારણે વ્યાજદરમાં ઘટાડો થવાથી દેશભરના શહેરોમાં નવી શૈક્ષણિક સંસ્થાઓના નિમાર્ણ માટે આ આદર્શ જોડાણ બની રહેશે.

બેન્ક સ્કૂલ અને કોલેજના નિમાર્ણ માટે આર્થિક સહાય પૂરી પાડતી હોવા ઉપરાંત શૈક્ષણિક લોન મારફતે પણ આર્થિક સહાયતા પૂરી પાડે છે. બેન્ક પાસે પર્યાપ્ત પ્રમાણમાં ફંડ હોવાથી બેન્ક શૈક્ષણિક લોનના દરોમાં પણ કાપ મૂકશે. અનેક ભારતીયોની પહોંચની બહાર એવા ખર્ચાળ કોલેજ શિક્ષણ પર તેની સકારાત્મક અસર જોવા મળશે. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સારો પગાર મેળવે છે અને લોનની ચૂકવણી કરી શકતા હોવાથી મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ જે ખર્ચાળ હોય છે તેનું બેન્કોમાં લેન્ડિંગ રિસ્ક પણ અોછુ થશે. તેનાથી ગુણવત્તાસભર શૈક્ષણિક સંસ્થાઓનું આંતરમાળખુ બનાવવામાં મદદ મળશે તથા ભારતીયોને યોગ્ય કારકિર્દીના ઘડતર માટેનું વાતાવરણ પણ મળી રહેશે.

એકંદરે શૈક્ષણિક ક્ષેત્ર પર ડિમોનેટાઇઝેશનની સકારાત્કમ અસર જોવા મળશે.

વેકેશનનો સદ્ઉપયોગ કેવી રીતે કરશો?

ગુજરાતમાં મોટાભાગના બાળકો માટે એપ્રિલ, મે અને જૂનનો મહિનો એટલે ઉનાળાની રજા. આ સમયમાં બાળકો શાળા અથવા કોલેજ જઇને અભ્યાસ જૈવી દૈનિક પ્રવૃત્તિમાંથી રાહત મેળવે છે. જોકે, અહીં પ્રશ્ન એ છે કે શા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લાંબા સમયની રજા મળે છે? આનું કારણ એ કે માનવીના મગજને વિકસવા માટે સમયની જરૂર પડે છે અને અભ્યાસમાંથી વિરામ મળતાં મગજ અને શરીરમાં શક્તિનો પુનઃસંચાર થાય છે.


મોટાભાગના બાળકો પરિક્ષાની તૈયારી કરતી વખતે વેકેશનના સપના જોતા હોય છે અને વેકેશનનું પ્લાનિંગ પણ પહેલેથી જ કરી લે છે, પરંતુ જ્યારે શાળા અથવા કોલેજમાં વેકેશન પડે ત્યારે તેઓ આ પ્લાનિંગ ભૂલી જાય છે. મારી તમને સલાહ છે કે સામાન્ય દિવસોમાં તમે જોયેલા સપના, વિચારો અથવા મનમાં આવેલા ખ્યાલને લખી લેવા જોઇએ અને જ્યાં સુધી પરિક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને વાંચવા જોઇએ નહીં. આનાથી બે હેતુ સિદ્ધ કરી શકાશે. પ્રથમ તમારું મન પરિક્ષાની તૈયારી ઉપર કેન્દ્રિત રહેશે અને બીજું, જ્યારે વેકેશન શરૂ થાય ત્યારે શું કરવું તેનું તમારી પાસે લિસ્ટ તૈયાર હશે. આનાથી ઘણો સમય બચશે અને તમે વેકેશનમાં અપેક્ષા મૂજબની પ્રવૃત્તિઓમાં સક્રિય બની શકશો.


અહીં કેટલીક પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરાયો છે, જે વેકેશન દરમિયાન કરવી જોઇએઃ
  • પ્રવાસઃ વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો રાજ્યનો, દેશનો અને વિદેશ પ્રવાસ કરતાં હોય છે. આનો ઉદ્દેશ્ય પરિવાર સાથે સારો સમય વિતાવવો, નવા સ્થળો જોવા, આરામ કરવો અને સારી પ્રવૃત્તિઓ કરવાનો હોય છે. વેકેશનની મજા માણવાનો મતલબ એ નહીં કે માત્ર નાણાનો જ ખર્ચ કરવો. રોજીંદા જીવનમાં તમે બાળકોને પૂરતો સમય આપી શકતા નથી. પરિવાર સાથે પ્રવાસ કરવાતી માતા-પિતા અને બાળકરોને સાથે મળીને એકબીજાને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી રહે છે. બાળકો વિવિધ પરિસ્થિતિમાં માતા-પિતાના વ્યવહારનું અવલોકન કરતાં હોય છે એટલે કે તેમના તણાવયુક્ત અને હળવાશની પળો. જેને બાળકો અનુસરે પણ છે. બાળકો અમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝિયમ, જોવા લાયક સ્થળોનો પ્રયાસ કે પછી શોપિંગ, આમાંથી શું કરવા ઇચ્છે છે તે અંગે તેમની સાથે ચર્ચા કરીને પસંદગીની પ્રવૃત્તિ કરવાથી તેમનું મગજ વધુ વિકસે છે.
  • વેકેશનમાં પ્રવાસનું કરવાનું આયોજન કરતાં પહેલાં આ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખો શું તમે પરિવાર સાથે પ્રવાસ કરવાનો છે અથવા સંબંધીની મુલાકાત લેવાની છે અથવા નવા સ્થળની મુલાકાત લેવાની છે કે પછી બાળકોને મનોરંજન પૂરું પાડવાનું છે. આનાથી તમે સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય માટે મહત્તમ સમયની ફાળવણી કરી શકો. મેં જોયું છે કે પરિવારો કોઇપણ સમાન હિત ધરાવતી પ્રવૃત્તિઓ વિના જ પ્રવાસ પૂર્ણ કરતાં હોય છે અને તેથી જ જો તમે પરિવાર સાથે સમય વિતાવવા માગતા હોવ તો બધા સાથે મળીને એક પ્રવૃત્તિમાં જોડાય તેવું આયોજન કરો.
  • સમર વર્કશોપઃ છેલ્લાં થોડાં વર્ષોથી શહેરોમાં બાળકોને સમર વર્કશોપમાં મોકલવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ વર્કશોપમાં ભાગ લેવાથી બાળકો નવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરાય છે અને કૌશલ્યો શીખે છે, જે તેઓ રોજીંદા જીવનમાં ક્યારેય શીખી શકતા નથી. જોકે, આ મોંઘું હોઇ પણ શકે છે અને નહીં પણ. સામાન્ય રીતે ક્લાસિસ, શાળાઓ અને સંસ્થાઓ દ્વારા સમર વર્કશોપનું આયોજન કરાતું હોય છે. આનો ઉદ્દેશ્ય બાળકોને નવીન પ્રવૃત્તિઓમાં સાંકળીને નિપૂંણ બનાવવાનો હોય છે. આથી જો તમે તમારા બાળકનું એડમીશન ડાન્સ વર્કશોપમાં કરાવો તેનો મતલબ એ નહીં કે તે એક જ મહિનામાં રિયાલિટિ શોમાં ભાગ લેવા માટે સજ્જ બની જશે, પરંતુ જો તમારા બાળકમાં ડાન્સની છુપી પ્રતિભા હશે તો વર્કશોપમાં આ પ્રતિભાને નિખરવા માટે પ્લેટફોર્મ મળી રહેશે. બાળકો ઉપર તમારી ઇચ્છાઓ થોપશો નહીં અને હંમેશા તેમની સાથે વાત કરીને તેમની રૂચિ અનુસારની પ્રવૃત્તિઓમાં બાળકોને સાંકળો.
  • બાળકોને સક્રિય રાખવા અને તેમની પસંદગીની પ્રવૃત્તિમાં કાર્યરત બનાવવા માટે સમર વર્કશોપ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. તમારા બાળકની સાથે અભ્યાસ કરતાં અન્ય વિદ્યાર્થીઓની માતા સાથે વાત કરો અને અન્ય પ્રોગ્રામ અંગેની પણ જાણકારી પ્રાપ્ત કરો. મારા મતે જે પ્રોગ્રામની જાહેરાત વધુ ન થઇ હોય તે સૌથી સારો પ્રોગ્રામ હોય છે. આથી હમણાંથી જ સારા પ્રોગ્રામની તપાસ શરૂ કરો અને એડમીશન પૂર્ણ થાય તે પહેલાં જ બાળકનો પ્રવેશ સુનિશ્ચિત કરો.

ઘરે રહેવું અથવા દાદા-દાદીના ઘરે જવુઃ વેકેશન માણવાનો આ પરંપરાગત પ્રકાર રહ્યો છે – એટલે કે કોઇ ચોક્કસ બાબતમાં સંપૂર્ણપણે સક્રિય ન રહેવું. માનસિક અને શારિરિક આરામ માટે આ વધુ એક સારો વિકલ્પ છે. વર્ષ દરમિયાન બાળકોને એવાં પણ સમયની જરૂર હોય છે કે જ્યારે તેઓ કોઇપણ ચોક્કસ પ્લાન વિના સવારે ઉઠે. આનાથી તેમની સર્જનાત્મકતાને બળ મળી રહે છે. જોકે, તમારે આ બાબતે ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઘણાં કિસ્સામાં બાળક આળસું થઇ જાય છે અથવા તો તે બિનઉત્પાદક પ્રવૃત્તિઓમાં સંકળાઇ જાય છે. આમાં ટીવી જોવું, ઘરની બહાર મિત્રો સાથે રમવાને બદલે કમ્પ્યુટર, ટેબલેટ અને મોબાઇલ ઉપર ગેમ્સ રમવી વગેરેનો સમાવેશ થાય છે. જોકે, સારા પુસ્તકો વાંચવા, મિત્રો, ભાઇઓ અને પાડોશી સાથે ઇનડોર-આઉટડોર ગેમ્સ રમવાથી વેકેશનનો સદ્ઉપયોગ થાય છે. શારિરિક અને માનસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળક વધુ સારું પ્રદર્શન કરવા સક્ષમ બને છે અને અભ્યાસ ઉપર તેની સકારાત્મક અસરો પેદા થાય છે. વેકેશન દરમિયાન પણ બાળક જે વિષયમાં નબળો હોય તેનો થોડાં કલાક અભ્યાસ કરાવવાની સારા પરિણામ પ્રાપ્ત થાય છે.

10 વર્ષ પહેલાંની સરખામણીમાં આજના બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. બાળકો વેકેશનનો સદ્ઉપયોગ કેવી રીતે કરી શકે તે બાબતે માતા-પિતા પણ ધ્યાન આપતા થયા છે અને હવે તેઓ પહેલેથી જ આયોજન કરે છે. યાદ રાખો વર્ષમાં એક જ વાર ઉનાળાની રજાઓ આવે છે અને તમે તેનો યોગ્ય ઉપયોગ કરો તે સુનિશ્ચિત કરો.

ટ્રાફિક સુરક્ષાઃ શું શાળા કોઈ ફેર પાડી શકે?

તાજેતરમાં શાળાએથી પાછા ફરતાં બે છોકરાઓના થયેલા મૃત્યુએ આપણા દેશની અત્યંત મહત્વપૂર્ણ સમસ્યાઓ તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે – માર્ગ અકસ્માત અને મૃત્યુ.

આંકડાઓ અત્યંત ગંભીર છે – ભારતમાં દર કલાકે 15 લોકોના તથા દરરોજ 20 બાળકોના મૃત્યુ થાય છે. અકસ્માતને કારણે વિકલાંગતાનો ભોગ બનનાર લોકોનો આંકડો વાર્ષિક પાંચ લાખ જેટલો છે. સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ માર્ગ સુરક્ષાની રીતે ભારત ચીન પછી બીજા ક્રમે છે. આપણા દેશમાં વિશ્વના 1 ટકા જેટલા વાહનો છે પરંતુ માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુનો દર 10 ટકા જેટલો છે.

તો શાળાઓ, માતાપિતા અને દેશ આ પ્રકારના આકસ્મિક મૃત્યુ અને વિકલાંગતામાં ઘટાડો કરવા શું કરી શકે? લગભગ 24.9 ટકા મૃત્યુ દ્વિ-ચક્રીય વાહનો પર થાય છે. દ્વિ-ચક્રીય વાહનો પર અકસ્માતમાં થતાં મૃત્યુ ટાળવા માટેનો સૌથી સરળ રસ્તો છે હેલ્મેટ પહેરવું. મારા ધ્યાનમાં આવેલા દ્વિ-ચક્રીય વાહનો પર થતાં મોટાભાગના કિસ્સામાં ચાલકે હેલ્મેટ પહેર્યું ન હતું. મારું માનવું છે કે શાળાઓ તથા માતાપિતા હેલ્મેટને પ્રાથમિક જરૂરીયાત તરીકે સરળતાથી અમલમાં લાવી શકે.

અકસ્માતથી થતાં કુલ મૃત્યુના 10.8 ટકા મૃત્યુ કારમાં થાય છે. કારમાં અકસ્માતે મૃત્યુ નિવારવાનો સૌથી સરળ રસ્તો છે સીટ બેલ્ટનો ઉપયોગ. યુકેમાં થયેલા એક સંશોધન અનુસાર સીટ બેલ્ટના ઉપયોગથી 45 ટકા કિસ્સાઓમાં કારમાં આગળ બેઠેલાઓનું મૃત્યુ ટાળી શકાયું હતું. વધુમાં એરબેગ તો જ ખૂલે છે જો સીટ બેલ્ટ બાંધેલો હોય. ભારતમાં આગળ બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ બાંધવાનું 1994થી ફરજીયાત બનાવવામાં આવ્યું છે છતાં હજુ પણ 99 ટકા લોકો સીટ બેલ્ટ બાંધતા નથી.

સીટ બેલ્ટ તથા હેલ્મેટ જેવા સુરક્ષા સાધનોના ઉપયોગથી મૃત્યુદરને ઘટાડી શકાય. માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુનો અહેવાલ આપતી વખતે અખબારોએ લખવું જોઇએ કે 50 ટકા મૃત્યુના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળે તો મૃત્યુ નિવારી શકાય છે.

આમાંથી કેટલાક દૂરના વિસ્તારોમાં થતાં હોય છે. પરંતુ જો અકસ્માતનો બનાવ નજરે પડે તો શું કરવું જોઇએ તેની યોગ્ય તાલીમ નાગરીકોને આપવામાં આવે તો ઘણાં લોકોનો જીવ બચાવી શકાય. લોકોને અકસ્માતની જાણ કરવાની પ્રક્રિયા તથા તેમાં રહેલી તકલીફો અંગે ખ્યાલ હોવો જોઇએ. જો વ્યક્તિને અકસ્માત માટે આરોપી બનાવી દેવામાં ન આવે તો અકસ્માત જોનાર કોઈપણ વ્યક્તિ 108ને ફોન કરશે.

શરાબ પીને વાહન ચલાવવું એ માર્ગ અકસ્માતનું વધુ એક મહત્વપૂર્ણ કારણ છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી શરાબ પીને વાહન ચલાવવાથી થતાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ખૂબ ઓછું છે. આનું પ્રમાણ એ છે કે ગુજરાતનું કોઈ પણ શહેર દેશના માર્ગ અકસ્માતની દૃષ્ટિએ ટોચના 10 શહેરોમાં સ્થાન પામતું નથી.

અમદાવાદ કરતાં નાનાં શહેરો જેવા કે નાશીક, જયપુર, કોચી, તિરૂવનંતપુરમમાં માર્ગ અકસ્માતથી થતી ઇજાઓનું પ્રમાણ વધારે છે અને આ તમામ શહેરોમાં દારૂબંધી નથી. તમારા લોહીમાં શરાબનું પ્રમાણ વધારે હોય તો ઉબેર/ઓલા જેવી ટેક્સી સેવાઓનો ઉપયોગ કરવો જ સૌથી સરળ ઉકેલ છે.

ટ્રાફિકના નિયમોનાં પાલન અંગે પણ ભારતમાં ઘણાં સુધારની જરૂર છે. સ્પીડ લિમિટમાં વાહન ચલાવવું, રોડના સાઇનેજ જોઇને ઊભા રહેવું અને યોગ્ય દિશામાં વાહન ચલાવવું વગેરે જેવા સરળ નિયમોનું પાલન કરવાથી મૃત્યુથી બચી શકાય છે.

બાળકો સામે યોગ્ય આદર્શો હોવા જોઇએ. અત્યંત ઝડપે વાહન ચલાવતાં અને રોડ પર સ્ટંટ કરતાં લોકો પોતાના પરિવારની ચિંતા કરતા નથી. માતા-પિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતું બાળકો અનાથ બની જાય છે. તેમનામાં માનવ જીવનનું મૂલ્ય સ્થાપિત કરવું જોઇએ અને આમ કરવાથી જ તેઓ મોટા થઈને એક જવાબદાર નાગરિક બનશે. 


નીટઃ મેડિકલ કોલેજોમાં સરળ પ્રવેશ પ્રક્રિયા માટેનું સુદ્રઢ આયોજન

સરકાર દ્વારા સંચાલિત મેડિકલ કોલેજો, ખાનગી કોલેજો, ડિમ્ડ યુનિવર્સિટિઝ અને લઘુમતી સંસ્થાઓમાં એમબીબીએસ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે સમગ્ર ભારતમાં  સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજીબિલિટી કમ એન્ટરન્સ ટેસ્ટ (નીટ)નું આયોજન ચોક્કસપણે એક આવકારદાયક પહેલ છે. ડોક્ટર બનવાનું સપનું જોતાં હજારો વિદ્યાર્થીઓ અને તેમના ચિંતાતુર વાલીઓ માટે આ ખુબજ રાહતની વાત છે કારણકે આ પહેલાં વિવિધ મેડિકલ સ્કૂલ્સ દ્વારા અલગ-અલગ પ્રવેશ પ્રક્રિયાઓ યોજવામાં આવતી હતી અને તેમાં હિસ્સો લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને દેશભરમાં ફરવું પડતું. પરિણામે વાલીઓ ઉપર જંગી નાણાકીય ભારણ પેદા થતું હતું.

મહત્વપૂર્ણ  છે કે સિસ્ટમમાં કોઇપણ બદલાવના સારા અને નરસા એમ બે પાસા હોય છે. મોટાભાગના લોકો નીટની એ બાબત સાથે સંમત થાય છે કે તેનાથી તબીબી શિક્ષણ માટે પ્રયાસ કરનારા ઉમેદવારોની ગુણવત્તામાં સુધારો થશે. જોકે, નીટ મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો એવા સમયે આવ્યો છે કે નીટને આવકારતા લોકો જ તેનો વિરોધ કરી રહ્યાં છે.

મુખ્ય વિરોધ પરિક્ષાની ભાષાનો છે કારણકે નીટની પ્રવેશ પરિક્ષા હિન્દી અને અંગ્રેજીમાં યોજાવા જઇ રહી છે. આથી જે-તે રાજ્યના બોર્ડના સ્થાનિક ભાષામાં અભ્યાસ કરતાં ઉમેદવારો માટે આ પ્રવેશ પરિક્ષા મૂશ્કેલીરૂપ છે. વાલીઓ અને નિષ્ણાંતોનું માનવું છે કે ખુબજ ઓછા સમયમાં કોઇપણ વિદ્યાર્થી અંગ્રેજી ભાષા સાથે નીટની તૈયારી કેવી રીતે કરી શકે? મારો પ્રશ્ન એ છે કે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યાં બાદ વિદ્યાર્થીએ અંગ્રેજી ભાષામાં જ અભ્યાસ કરવો પડશે. શું કોઇ ગુજરાતી મેડિકલ ટેક્સ્ટબુક ઉપલબ્ધ છે?

આંકડા ધ્યાનમાં લેતાં જણાશે કે મોટાભાગની મેડિકલ કોલેજોમાં ટોચના રેન્કર્સ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએટ અને સ્પેશિયાલિટી ડોક્ટર્સ બનવા માટે અંગ્રેજીનું જ્ઞાન હોવું આવશ્યક છે અને મારું માનવું છે કે અંગ્રેજી ભાષામાં નીટ યોજવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ખોટો નથી. જોકે, સુપ્રીમ કોર્ટ છ પ્રાદેશિક ભાષાઓમાં નીટ યોજવા અંગે વિચારણા કરી રહી હોવાના પણ સમાચાર મળી રહ્યાં છે.

બીજો વિરોધ એ છે કે ઘણાં વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરીય પ્રવેશ પરિક્ષાને લક્ષ્યમાં રાખીને તૈયારી કરી હશે અને તેમણે રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરિક્ષા તરફ ધ્યાન આપ્યું જ નહીં હોય. મને આશ્ચર્ય છે કે મેડિકલ કોલેજની રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પ્રક્રિયામાં આટલો મોટો તફાવત હોઇ શકે? શું આ કોલેજોનો અભ્યાસક્રમ અલગ છે કે પછી કોલેજ અલગ છે? અથવા તો શું આ કોલેજોમાં આવતા દર્દીઓ અલગ છે? કોલેજો દ્વારા ડિગ્રી સમાન એનાયત થાય છે ત્યારે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરિક્ષાઓમાં પ્રશ્નો અલગ-અલગ હોવાનો ખોટો વિવાદ ચગાવવામાં આવે છે. તમિળ નાડુમાં મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન (એમસીક્યુ) નથી, જ્યારે કે નીટ પરિક્ષામાં એમસીક્યુ છે. એમસીક્યુ વિના પ્રવેશ પરિક્ષાના મૂલ્યાંકનમાં ઘણો સમય લાગે છે અને તે ખુબજ સબ્જેક્ટિવ રહે છે.

કેટલાંક લોકોનું કહેવું છે કે સીબીએસઇ વિદ્યાર્થીઓને સરળતા રહે તે પ્રમાણે ટેસ્ટ લેવામાં આવે છે. આની સામે દલીલ એ છે કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અનરૂપ રહે તે પ્રમાણે ગુજકેટનું આયોજન કરાય છે. અગાઉના વર્ષોમાં માત્ર ધો. 12ના માર્ક્સને આધારે જ મેડિકલમાં પ્રવેશ અપાતો હતો અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી ગુજરાતી માધ્યમના શિક્ષકો દ્વારા કરાતી હતી. આના કારણે બોર્ડના ટોપર્સ હંમેશા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જ રહ્યાં છે. આ ગુજરાત બોર્ડ દ્વારા તે સમયે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહોતો થતો?


જોકે, હવે સમય અને સંજોગો બંન્ને બદલાયા છે અને ભારતમાં એન્જિનિયરીંગ અને મેડિકલ પરિક્ષાઓનું કેન્દ્રીકરણ થયું છે. આના પરિણામે વિદ્યાર્થીઓ કોલેજોમાં ભાષા ઉપર ધ્યાન આપવાને બદલે વિષય સમજવા ઉપર વધુ ધ્યાન આપી શકશે અને ભવિષ્યમાં આપણી પાસે સારા અને તેજસ્વી પ્રોફેશ્નલ્સ ઉપલબ્ધ બનશે, જેઓ સમૃદ્ધ ભારત માટેનો માર્ગ મોકળો કરશે.

નીટનો તાત્કાલિક ધોરણે અમલ ફાયદો કે નુકશાન ?

ધારોકે 100 મીટરની એક રેસ યોજાઇ રહી છે. જેમાં ચાર વર્ષની તૈયારી બાદ બધા જ સ્પર્ધકો દોડમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે તત્પર છે ત્યારે જ આયોજકો દોડના નિયમોમાં ફેરફાર કરવા માંગે છે. જોકે, તેઓ એવી રીતે ફેરફાર કરવા માંગે છે કે જેથી દોડની ગુણવત્તાને પણ કોઇ અસર ન થાય અને દર્શકોનો ઉત્સાહ જળવાઇ રહે. પરંતુ આ શક્ય છે ખરાં ! અને શક્ય છે તો આમાં સ્પર્ધકોને ફાયદો થશે કે નુકશાન.... લાંબા સમયથી આયોજકો દ્વારા ચાલતી ફેરફારની વિચારણા બાદ આયોજકો નીચેના વિકલ્પોનું સુચન કરે છે.

  • દોડ માટેની રેસ 100 મીટરથી વધારીને 125 મીટર કરવી
  • એક સરખું વજન ધરાવતા સ્પધર્કોને એક સરખું ઝુકવું
  • એક સરખા સપાટ રસ્તાની બદલે ઉબડખાબડ રસ્તા પર રેસનું આયોજન

જ્યારે સંપૂર્ણ તૈયારી બાદ દોડ શરૂ થવાને આરે હોય અને છેલ્લી ઘડીએ નિયમોમાં ફેરફાર થવાની જાહેરાત કરવામાં આવે ત્યારે ઉત્સુકતા વધી જાય છે. આ સ્થિતીમાં સ્પર્ધકોને તૈયારી કરવાનો સમય નથી મળતો અને બધા પાસે જીતવાની સરખી તકો હોય છે. આ સમયે ટકી રહેવાની શક્તિની થીયરી કામ કરે છે. જો ઉપરના વિકલ્પોમાંથી પહેલા વિકલ્પને પસંદ કરવામાં આવે તો જે સ્પર્ધક વધારે સ્ટેમિના ધરાવતો હશે તે જીતી જશે. બીજા વિકલ્પમાં મજબૂત સ્પર્ધક જીતશે અને ત્રીજા વિકલ્પમાં ઢાળ પર દોડવાની પ્રેક્ટિસ કરનાર અને મજબૂત બાંધો ધરાવતો દોડવીર જીતનો હક્કદાર બનશે. જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઇ સ્પર્ધક દોડના નિયમોમાંથી પરિચીત ના હોવો જોઇએ એવી શરત છે.

મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટ (NEET) જાહેરાતથી આ જ વસ્તુ બની છે. સુપ્રિમ કોર્ટે તાત્કાલિક ધોરણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટેના નિયમોમાં ફેરફાર કરતા તેનો વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયની બધા પર સરખી અસર જોવાશે તે બાબતે તેઓ સંપૂર્ણ રીતે અજાણ છે.

આના પરિણામે કોલેજમાં પ્રવેશ માટેનો કટ-ઓફ નીચે આવી શકે. ધારોકે ગતવર્ષે ગુજકેટમાં કોઇ કોલેજમાં પ્રવેશ મેળવવાનો કટ ઓફ 88 ટકા હોય તો ચાલુ વર્ષે કટ ઓફ 80 ટકા હોઇ શકે છે. બધા જ વિદ્યાર્થીઓ નીટ વિશે પરિચીત ના હોવાથી દરેક પર તેની સરખી અસર જોવા મળશે છતાં સમસ્યા એટલી વિકટ નથી કે જેટલી તેને દર્શાવાઇ છે.

NCERT ના અભ્યાસક્રમને આધારે તૈયાર કરાયેલી નીટનો સૌથી વધુ ફાયદો CBSEના વિદ્યાર્થીઓને મળશે. જોકે, આંકડાની દ્રષ્ટિએ આ બાબતમાં કોઇ દમ નથી કારણ કે ગુજરાતમાં બાયોલોજી પ્રવાહ સાથે ધોરણ 12 સાયન્સ કરનારા કુલ વિદ્યાર્થીઓમાંથી માત્ર 5 ટકા જ CBSE ના વિદ્યાર્થીઓ હોય છે. આ સ્તિતીનું કારણ એ છે કે જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માંગે છે તેઓ પ્રવેશની શક્યતા વધે તે માટે ખાસ કરીને ગુજરાત બોર્ડની પસંદગી કરતા હોય છે. આ ઉપરાંત મેડિકલ કોલેજમાં ખાલી પડેલી 15 ટકા સીટ પર પ્રવેશ માટે AIPMTને પણ અગત્યની ટેસ્ટ ગણવામાં આવતી હતી.

ટુંકમાં પ્રવેશ માટેની પરિક્ષામાં તાત્કાલીક ધોરણે ફેરફાર એ એટલી ગંભીર સમસ્યા નથી કે જેટલી તેને ગણવામાં આવી રહી છે. જો બધા જ વિદ્યાર્થીઓ પર તેની સરખી અસર થવાની હોય તો ચિંતા કરવાનું કોઇ કારણ નથી. તમારી પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તમારે સખત મહેનત કરવી જ પડે છે. બધુ જ યોગ્ય છે પણ નિરપેક્ષ કશું જ નથી.


બોર્ડનું પરિણામ : સ્કુલના દેખાવની ખરી વાસ્તવિકતા શું ?

કહેવાય છે કે મે મહિનો એટલે મીઠા ફળો ખાવાનો, પરંતુ કરેલા પુરૂષાર્થ જેટલું મીઠું ફળ મળે તે પણ હકીકત છે. વાત અહિં વિદ્યાર્થીઓ, સ્કુલ, ટ્યુશન તથા વિદ્યાર્થીઓના માતા-પિતા માટે લાગુ પડે છે. સામાન્ય રીતે મે મહિનો પરિણામની મોસમ તરીકે ઓળખાય છે. ધોરણ 10 અને 12નું ગુજરાત બોર્ડ, ICSE, CBSE નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. ત્યારે મોટા ભાગના સમાચાર પત્રોમાં સ્કોલર વિદ્યાર્થીઓના ફોટા સહિતના અવતરણ છપાતા હોય છે. છાપામાં આવેલા સંતાનોના નામ બાદ વાચકો તેની સ્કુલનું ગર્વ લઇને ખુશ થતા હોય છે. સમાચાર પત્રમાં આવેલા ફોટા સહિતના તેઓના તરણની કાપલીને સ્કોલર વિદ્યાર્થીઓ તેની સિદ્ધીના પુરાવા તરીકે સાચવીને રાખે છે. જોકે, બુકનું કવર જોઇને બુક કેવી હશે તેનો નિર્ણય ના લઇ શકાય રીતે માત્ર મર્યાદિત માહિતીના આધારે સ્કુલને રેટિંગ આપવું જરા પણ ઉચિત ગણી શકાય નહિં. ચાલો ચર્ચા કરીએ કે પરિણામ શું નથી દર્શાવતું અને તમારે ધ્યાનમાં લેવા જેવી અમુક બાબતો.

સામાન્ય રીતે બે પ્રકારના આંકડાઓ રજૂ થતા હોય છે. એક તો સ્કુલમાં ટોપ કરેલા વિદ્યાર્થીઓના માર્કસ અંગે આંકને આધારે આપણે એટલી માહિતી મેળવી શકીએ છીએ કે સ્કુલના ટોચના વિદ્યાર્થીઓ કેટલા હોંશિયાર છે પણ આપણે નથી જાણી શકતા સ્કુલમાં ખરાબ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે. 100 વિદ્યાર્થીઓની બેચમાંથી માત્ર કેટલાક અમુક વિદ્યાર્થીઓના માર્કસથી દરેક વિદ્યાર્થી સરખી રીતે હોંશીયાર છે તેવું તારણ ના કાઢી શકાય.

અન્ય આંકડાઓ સ્કુલમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી દર્શાવવામાં આવે છે. સ્કુલનું 100 ટકા પરિણામ છે તેવા સમાચાર સ્કુલ ફેલાવતી હોય છે. જોકે, એજ દર્શાવે છે કે પરીક્ષામાં હાજર રહેલા 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે હકીકતમાં સારા માર્કસ મેળવીને કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તે માહિતી નથી હોતી.

એક સ્કુલ કે જ્યાં 3 ટોચના સ્કોલર વિદ્યાર્થી છે. અને 37 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ખુબ ઓછા માર્કસ સાથે પરીક્ષા પાસ કરી છે તે સ્કુલ પણ પોતે સારી છે તેવું દર્શાવે છે. હવે કેટલાક લોકો એવી દલીલ કરે છે જો કોઇ સ્કુલના 3 વિદ્યાર્થીઓ બોર્ડ ટોપર્સ છે તો અન્ય વિદ્યાર્થીઓ પણ સારા હશે એવું માની લેવાનું. જોકે હકીકતમાં હોય છે કે ટોપર્સ વિદ્યાર્થીઓ હોય છે કે જે સ્કુલ કરતા ટ્યુશનમાં વધારે સારી રીતે ભણ્યા હોય. ઘણીવાર સ્કુલ પ્રકારના ટોપર્સને આકર્ષિત કરવા માટે ફી જતી કરવાના કિમીયા વાપરે છે. તેથી એકંદરે સ્કુલનું શિક્ષણ નીચલા સ્તરનું સાબીત થતું હોય છે.

સારુ પગલું છે કે સ્કુલના વિદ્યાર્થીઓએ એવરેજ માર્કસ કેટલા મેળવ્યા તે દર્શાવવું જોઇએ. આંકડા સ્કુલનું સાચું સ્તર સાબીત કરી શકશે. જ્યાં સુધી સ્કુલ વિદ્યાર્થી સારા માર્કસ મેળવે તે માટે પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી ટ્યુશનમાં જવા છતાં પણ વિદ્યાર્થીઓની ટકાવારી એવરેજ રહે છે.

ઉપરાંત ટકાવારીની દ્રષ્ટિએ આંકડાઓનું વિતરણ તો વિકલ્પથી સ્કુલની સફળતાને આંકી શકાય, એટલે કે જો સ્કુલ X ના 75 ટકા વિદ્યાર્થીઓ 50 ટકાથી ઉપર માર્કસ ધરાવે છે અને સ્કુલ Yના 75 ટકા વિદ્યાર્થીઓ 70 ટકાથી ઉપર ટકાવારી ધરાવે છે તો તમે તરતજ નક્કી કરી શકશો કે સ્કુલ Y શિક્ષણનું ઉંચું સ્ટાર્ન્ડડ ધરાવે છે. તેથી તમારા સંતાનને Y સ્કુલમાં પ્રવેશ અપાવવાથી તે સારા માર્કસ મેળવી શકશે.

પરીણમમાં સુસંગતતા પણ એવું પાસુ છે કે જેના પર ધ્યાન આપવું જરૂરી બને છે. જો કોઇ સ્કુલ સારા પરિણામનો 15 વર્ષનો એવરેજ ટ્રેડ રેકોર્ડ ધરાવતી હોય તો તમારા સંતાનના તે સ્કુલમાં પ્રવેશ અપાવવો યોગ્ય રહેશે. અન્ય સ્કુલ કે જે 15 વર્ષમાં માત્ર 2 વખત ટોપર્સ આપી શકી છે તે સ્કુલમાં સંતાનને પ્રવેશ ના અપાવવો હિતાવહ છે.

આપણે ના ભુલવું જોઇએ કે ICSE, ઇન્ટરનેશનલ બોર્ડ, ગુજરાત બોર્ડ અને CBSE અલગ અલગ માર્કિંગ પેટર્ન ધરાવે છે. માટે અલગ-અલગ બોર્ડ સ્કૂલને એક યાર્ડસ્ટિક મારફતે સરખામણી કરવાની ભુલ ક્યારેય ના કરતા. એવો કોઇ રસ્તો નથી કે તમે અલગ-અલગ બોર્ડ સ્કુલને તેના પરિણામ મારફતે સરખાવી શકો. તેના માટે તમારે વિદ્યાર્થીઓ JEE અને NEET જેવી પરિક્ષામાં મેળવેલી ટકાવારી પર આધાર રાખવો જરૂરી છે. પ્રવેશ પરીક્ષા માટે તેઓને ટ્યુશનમાં ભણતર અપાય છે.

માટે કહેવાય છે કે બુકના કવરથી બુક કેવી છે તેનો નિર્ણય ના લો અને બોર્ડના પરિણામથી સ્કૂલને ના આંકો...!!