Wednesday 11 January 2017

વેકેશનનો સદ્ઉપયોગ કેવી રીતે કરશો?

ગુજરાતમાં મોટાભાગના બાળકો માટે એપ્રિલ, મે અને જૂનનો મહિનો એટલે ઉનાળાની રજા. આ સમયમાં બાળકો શાળા અથવા કોલેજ જઇને અભ્યાસ જૈવી દૈનિક પ્રવૃત્તિમાંથી રાહત મેળવે છે. જોકે, અહીં પ્રશ્ન એ છે કે શા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લાંબા સમયની રજા મળે છે? આનું કારણ એ કે માનવીના મગજને વિકસવા માટે સમયની જરૂર પડે છે અને અભ્યાસમાંથી વિરામ મળતાં મગજ અને શરીરમાં શક્તિનો પુનઃસંચાર થાય છે.


મોટાભાગના બાળકો પરિક્ષાની તૈયારી કરતી વખતે વેકેશનના સપના જોતા હોય છે અને વેકેશનનું પ્લાનિંગ પણ પહેલેથી જ કરી લે છે, પરંતુ જ્યારે શાળા અથવા કોલેજમાં વેકેશન પડે ત્યારે તેઓ આ પ્લાનિંગ ભૂલી જાય છે. મારી તમને સલાહ છે કે સામાન્ય દિવસોમાં તમે જોયેલા સપના, વિચારો અથવા મનમાં આવેલા ખ્યાલને લખી લેવા જોઇએ અને જ્યાં સુધી પરિક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને વાંચવા જોઇએ નહીં. આનાથી બે હેતુ સિદ્ધ કરી શકાશે. પ્રથમ તમારું મન પરિક્ષાની તૈયારી ઉપર કેન્દ્રિત રહેશે અને બીજું, જ્યારે વેકેશન શરૂ થાય ત્યારે શું કરવું તેનું તમારી પાસે લિસ્ટ તૈયાર હશે. આનાથી ઘણો સમય બચશે અને તમે વેકેશનમાં અપેક્ષા મૂજબની પ્રવૃત્તિઓમાં સક્રિય બની શકશો.


અહીં કેટલીક પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરાયો છે, જે વેકેશન દરમિયાન કરવી જોઇએઃ
  • પ્રવાસઃ વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો રાજ્યનો, દેશનો અને વિદેશ પ્રવાસ કરતાં હોય છે. આનો ઉદ્દેશ્ય પરિવાર સાથે સારો સમય વિતાવવો, નવા સ્થળો જોવા, આરામ કરવો અને સારી પ્રવૃત્તિઓ કરવાનો હોય છે. વેકેશનની મજા માણવાનો મતલબ એ નહીં કે માત્ર નાણાનો જ ખર્ચ કરવો. રોજીંદા જીવનમાં તમે બાળકોને પૂરતો સમય આપી શકતા નથી. પરિવાર સાથે પ્રવાસ કરવાતી માતા-પિતા અને બાળકરોને સાથે મળીને એકબીજાને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી રહે છે. બાળકો વિવિધ પરિસ્થિતિમાં માતા-પિતાના વ્યવહારનું અવલોકન કરતાં હોય છે એટલે કે તેમના તણાવયુક્ત અને હળવાશની પળો. જેને બાળકો અનુસરે પણ છે. બાળકો અમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝિયમ, જોવા લાયક સ્થળોનો પ્રયાસ કે પછી શોપિંગ, આમાંથી શું કરવા ઇચ્છે છે તે અંગે તેમની સાથે ચર્ચા કરીને પસંદગીની પ્રવૃત્તિ કરવાથી તેમનું મગજ વધુ વિકસે છે.
  • વેકેશનમાં પ્રવાસનું કરવાનું આયોજન કરતાં પહેલાં આ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખો શું તમે પરિવાર સાથે પ્રવાસ કરવાનો છે અથવા સંબંધીની મુલાકાત લેવાની છે અથવા નવા સ્થળની મુલાકાત લેવાની છે કે પછી બાળકોને મનોરંજન પૂરું પાડવાનું છે. આનાથી તમે સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય માટે મહત્તમ સમયની ફાળવણી કરી શકો. મેં જોયું છે કે પરિવારો કોઇપણ સમાન હિત ધરાવતી પ્રવૃત્તિઓ વિના જ પ્રવાસ પૂર્ણ કરતાં હોય છે અને તેથી જ જો તમે પરિવાર સાથે સમય વિતાવવા માગતા હોવ તો બધા સાથે મળીને એક પ્રવૃત્તિમાં જોડાય તેવું આયોજન કરો.
  • સમર વર્કશોપઃ છેલ્લાં થોડાં વર્ષોથી શહેરોમાં બાળકોને સમર વર્કશોપમાં મોકલવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ વર્કશોપમાં ભાગ લેવાથી બાળકો નવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરાય છે અને કૌશલ્યો શીખે છે, જે તેઓ રોજીંદા જીવનમાં ક્યારેય શીખી શકતા નથી. જોકે, આ મોંઘું હોઇ પણ શકે છે અને નહીં પણ. સામાન્ય રીતે ક્લાસિસ, શાળાઓ અને સંસ્થાઓ દ્વારા સમર વર્કશોપનું આયોજન કરાતું હોય છે. આનો ઉદ્દેશ્ય બાળકોને નવીન પ્રવૃત્તિઓમાં સાંકળીને નિપૂંણ બનાવવાનો હોય છે. આથી જો તમે તમારા બાળકનું એડમીશન ડાન્સ વર્કશોપમાં કરાવો તેનો મતલબ એ નહીં કે તે એક જ મહિનામાં રિયાલિટિ શોમાં ભાગ લેવા માટે સજ્જ બની જશે, પરંતુ જો તમારા બાળકમાં ડાન્સની છુપી પ્રતિભા હશે તો વર્કશોપમાં આ પ્રતિભાને નિખરવા માટે પ્લેટફોર્મ મળી રહેશે. બાળકો ઉપર તમારી ઇચ્છાઓ થોપશો નહીં અને હંમેશા તેમની સાથે વાત કરીને તેમની રૂચિ અનુસારની પ્રવૃત્તિઓમાં બાળકોને સાંકળો.
  • બાળકોને સક્રિય રાખવા અને તેમની પસંદગીની પ્રવૃત્તિમાં કાર્યરત બનાવવા માટે સમર વર્કશોપ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. તમારા બાળકની સાથે અભ્યાસ કરતાં અન્ય વિદ્યાર્થીઓની માતા સાથે વાત કરો અને અન્ય પ્રોગ્રામ અંગેની પણ જાણકારી પ્રાપ્ત કરો. મારા મતે જે પ્રોગ્રામની જાહેરાત વધુ ન થઇ હોય તે સૌથી સારો પ્રોગ્રામ હોય છે. આથી હમણાંથી જ સારા પ્રોગ્રામની તપાસ શરૂ કરો અને એડમીશન પૂર્ણ થાય તે પહેલાં જ બાળકનો પ્રવેશ સુનિશ્ચિત કરો.

ઘરે રહેવું અથવા દાદા-દાદીના ઘરે જવુઃ વેકેશન માણવાનો આ પરંપરાગત પ્રકાર રહ્યો છે – એટલે કે કોઇ ચોક્કસ બાબતમાં સંપૂર્ણપણે સક્રિય ન રહેવું. માનસિક અને શારિરિક આરામ માટે આ વધુ એક સારો વિકલ્પ છે. વર્ષ દરમિયાન બાળકોને એવાં પણ સમયની જરૂર હોય છે કે જ્યારે તેઓ કોઇપણ ચોક્કસ પ્લાન વિના સવારે ઉઠે. આનાથી તેમની સર્જનાત્મકતાને બળ મળી રહે છે. જોકે, તમારે આ બાબતે ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઘણાં કિસ્સામાં બાળક આળસું થઇ જાય છે અથવા તો તે બિનઉત્પાદક પ્રવૃત્તિઓમાં સંકળાઇ જાય છે. આમાં ટીવી જોવું, ઘરની બહાર મિત્રો સાથે રમવાને બદલે કમ્પ્યુટર, ટેબલેટ અને મોબાઇલ ઉપર ગેમ્સ રમવી વગેરેનો સમાવેશ થાય છે. જોકે, સારા પુસ્તકો વાંચવા, મિત્રો, ભાઇઓ અને પાડોશી સાથે ઇનડોર-આઉટડોર ગેમ્સ રમવાથી વેકેશનનો સદ્ઉપયોગ થાય છે. શારિરિક અને માનસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળક વધુ સારું પ્રદર્શન કરવા સક્ષમ બને છે અને અભ્યાસ ઉપર તેની સકારાત્મક અસરો પેદા થાય છે. વેકેશન દરમિયાન પણ બાળક જે વિષયમાં નબળો હોય તેનો થોડાં કલાક અભ્યાસ કરાવવાની સારા પરિણામ પ્રાપ્ત થાય છે.

10 વર્ષ પહેલાંની સરખામણીમાં આજના બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. બાળકો વેકેશનનો સદ્ઉપયોગ કેવી રીતે કરી શકે તે બાબતે માતા-પિતા પણ ધ્યાન આપતા થયા છે અને હવે તેઓ પહેલેથી જ આયોજન કરે છે. યાદ રાખો વર્ષમાં એક જ વાર ઉનાળાની રજાઓ આવે છે અને તમે તેનો યોગ્ય ઉપયોગ કરો તે સુનિશ્ચિત કરો.

No comments:

Post a Comment