Wednesday 11 January 2017

નીટનો તાત્કાલિક ધોરણે અમલ ફાયદો કે નુકશાન ?

ધારોકે 100 મીટરની એક રેસ યોજાઇ રહી છે. જેમાં ચાર વર્ષની તૈયારી બાદ બધા જ સ્પર્ધકો દોડમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે તત્પર છે ત્યારે જ આયોજકો દોડના નિયમોમાં ફેરફાર કરવા માંગે છે. જોકે, તેઓ એવી રીતે ફેરફાર કરવા માંગે છે કે જેથી દોડની ગુણવત્તાને પણ કોઇ અસર ન થાય અને દર્શકોનો ઉત્સાહ જળવાઇ રહે. પરંતુ આ શક્ય છે ખરાં ! અને શક્ય છે તો આમાં સ્પર્ધકોને ફાયદો થશે કે નુકશાન.... લાંબા સમયથી આયોજકો દ્વારા ચાલતી ફેરફારની વિચારણા બાદ આયોજકો નીચેના વિકલ્પોનું સુચન કરે છે.

  • દોડ માટેની રેસ 100 મીટરથી વધારીને 125 મીટર કરવી
  • એક સરખું વજન ધરાવતા સ્પધર્કોને એક સરખું ઝુકવું
  • એક સરખા સપાટ રસ્તાની બદલે ઉબડખાબડ રસ્તા પર રેસનું આયોજન

જ્યારે સંપૂર્ણ તૈયારી બાદ દોડ શરૂ થવાને આરે હોય અને છેલ્લી ઘડીએ નિયમોમાં ફેરફાર થવાની જાહેરાત કરવામાં આવે ત્યારે ઉત્સુકતા વધી જાય છે. આ સ્થિતીમાં સ્પર્ધકોને તૈયારી કરવાનો સમય નથી મળતો અને બધા પાસે જીતવાની સરખી તકો હોય છે. આ સમયે ટકી રહેવાની શક્તિની થીયરી કામ કરે છે. જો ઉપરના વિકલ્પોમાંથી પહેલા વિકલ્પને પસંદ કરવામાં આવે તો જે સ્પર્ધક વધારે સ્ટેમિના ધરાવતો હશે તે જીતી જશે. બીજા વિકલ્પમાં મજબૂત સ્પર્ધક જીતશે અને ત્રીજા વિકલ્પમાં ઢાળ પર દોડવાની પ્રેક્ટિસ કરનાર અને મજબૂત બાંધો ધરાવતો દોડવીર જીતનો હક્કદાર બનશે. જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઇ સ્પર્ધક દોડના નિયમોમાંથી પરિચીત ના હોવો જોઇએ એવી શરત છે.

મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટ (NEET) જાહેરાતથી આ જ વસ્તુ બની છે. સુપ્રિમ કોર્ટે તાત્કાલિક ધોરણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટેના નિયમોમાં ફેરફાર કરતા તેનો વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયની બધા પર સરખી અસર જોવાશે તે બાબતે તેઓ સંપૂર્ણ રીતે અજાણ છે.

આના પરિણામે કોલેજમાં પ્રવેશ માટેનો કટ-ઓફ નીચે આવી શકે. ધારોકે ગતવર્ષે ગુજકેટમાં કોઇ કોલેજમાં પ્રવેશ મેળવવાનો કટ ઓફ 88 ટકા હોય તો ચાલુ વર્ષે કટ ઓફ 80 ટકા હોઇ શકે છે. બધા જ વિદ્યાર્થીઓ નીટ વિશે પરિચીત ના હોવાથી દરેક પર તેની સરખી અસર જોવા મળશે છતાં સમસ્યા એટલી વિકટ નથી કે જેટલી તેને દર્શાવાઇ છે.

NCERT ના અભ્યાસક્રમને આધારે તૈયાર કરાયેલી નીટનો સૌથી વધુ ફાયદો CBSEના વિદ્યાર્થીઓને મળશે. જોકે, આંકડાની દ્રષ્ટિએ આ બાબતમાં કોઇ દમ નથી કારણ કે ગુજરાતમાં બાયોલોજી પ્રવાહ સાથે ધોરણ 12 સાયન્સ કરનારા કુલ વિદ્યાર્થીઓમાંથી માત્ર 5 ટકા જ CBSE ના વિદ્યાર્થીઓ હોય છે. આ સ્તિતીનું કારણ એ છે કે જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માંગે છે તેઓ પ્રવેશની શક્યતા વધે તે માટે ખાસ કરીને ગુજરાત બોર્ડની પસંદગી કરતા હોય છે. આ ઉપરાંત મેડિકલ કોલેજમાં ખાલી પડેલી 15 ટકા સીટ પર પ્રવેશ માટે AIPMTને પણ અગત્યની ટેસ્ટ ગણવામાં આવતી હતી.

ટુંકમાં પ્રવેશ માટેની પરિક્ષામાં તાત્કાલીક ધોરણે ફેરફાર એ એટલી ગંભીર સમસ્યા નથી કે જેટલી તેને ગણવામાં આવી રહી છે. જો બધા જ વિદ્યાર્થીઓ પર તેની સરખી અસર થવાની હોય તો ચિંતા કરવાનું કોઇ કારણ નથી. તમારી પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તમારે સખત મહેનત કરવી જ પડે છે. બધુ જ યોગ્ય છે પણ નિરપેક્ષ કશું જ નથી.


No comments:

Post a Comment