Wednesday, 11 January 2017

બાળકોમાં ન્યુટ્રિશનની – વિવિધ વિટામિનની ઊણપ

આપણા શરીરને રોગોથી બચાવવા તેમજ વિકાસ માટે અનેક પ્રકારના વિટામિન અને મીનરલ્સની (ખનીજતત્વ) જરૂર પડે છે. આ વિટામિન અને ખનીજતત્વોને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરીરમાં કુદરતી રીતે આ માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ ઉત્પન્ન થતા ના હોવાથી યોગ્ય આહાર મારફતે તેને લેવામાં આવે તે જરૂરી બને છે. શરીરને જરૂર એવા ન્યટ્રિઅન્ટ ના મળતાં શરીરમાં ન્યુટ્રિશનની ઊણપ સર્જાય છે. શરીરમાં ન્યુટ્રિશનની ઊણપને કારણે અનેક પ્રકારની સ્વાસ્થયની સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને બાળકોમાં ન્યુટ્રિશનની વધારે ઊણપ જોવા મળે છે.
ન્યુટ્રિશનની ઊણપના વિવિધ પ્રકારો
શરીરમાં વિવિધ પ્રકારના ન્યુટ્રિઅન્ટની ઊણપ જોવા મળે છે. બાળકોમાં જોવા મળતી ન્યુટ્રિશનની મુખ્ય ઊણપ નીચે મુજબ છે.
લોહતત્વની ઊણપ
બાળકોમાં સૌથી વધુ લોહતત્વની ઊણપ જોવા મળે છે. શરીરમાં લોહતત્વની ઊણપથી પાંડુરોગ થાય છે, જેને કારણે શરીરમાં નબળાઇ, થાક અને બીજા કેટલાક લક્ષણો જોવા મળતા હોય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી, માંસ અને ઇંડાની જરદીમાં (ઇંડાની અંદરનો પીળો ભાગ) લોહતત્વ વિપુલ માત્રામાં હોય છે. તે શરીરમાં રક્તકણો બનાવવામાં મદદરૂપ થાય છે. લોહતત્વની ઊણપ ધરાવતા વ્યક્તિના શરીરમાં ઓછા પ્રમાણમાં રક્તકણો બને છે. માંસપેશી અને શરીરના અવયવોને ઓછો ઓક્સિજન મળે છે.
વિટામિન એ ની ઊણપ
વિટામિન એ ન્યુટ્રિઅન્ટ્સનો સમુહ છે કે જે આંખની તંદુરસ્તી તેમજ પુરુષ અને સ્ત્રીના પુનરુત્પાદન કે પ્રજનનક્ષમ સ્વાસ્થય માટે ખૂબ મહત્વ ધરાવે છે. તેનાથી ચેપ સામે લડવા જરૂરી એવી રોગ પ્રતિકારકશક્તિ પણ વધુ મજબુત બને છે.

ઊણપ દૂર કરવા શુ ખાશો
દૂધ, ઇંડા, લીલા શાકભાજી જેવા કે કોબીજ, બ્રોકોલી, પાલક, કેસરી શાકભાજી જેવા કે ગાજર, બટાકા, કોળું, પીળા ફળો જેવા કે જરદાળુ, પપૈયા અને આલૂ જેવા ખાદ્યપદાર્થોમાં ભરપુર પ્રમાણમાં વિટામિન એ હોય છે. આ ખાદ્યપદાર્થ ખાવાથી વિટામિન એ ની ઊણપ દૂર થાય છે. 

વિટામિન બી-1ની(થાઇમીન) ઊણપ
શરીરમાં થાઇમીનની ઊણપથી વજન ઘટે છે અને થાકનો અનુભવ થાય છે, તદુપરાંત મુંઝવણ અને તાત્કાલિક વાતો યાદ રાખવાની શક્તિ (શોર્ટ ટર્મ મેમરી) પણ ઓછી થઇ જાય છે. થાઇમીનની ઊણપથી જ્ઞાનતંતુ અથવા મજ્જાતંતુ તથા સ્નાયુને પણ નુકસાન થાય છે. તેનાથી હૃદયને પણ અસર થાય છે.

વિટામિન બી-3ની (નિયાસીન) ઊણપ
વિટામિન બી-3 (નિયાસીન) અેક ખનીજતત્વ છે કે જે આહારને ઊર્જામાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે. નિયાસીનની ઊણપથી પેલાગ્રા થવાની સંભાવના વધે છે. મોટા ભાગના પ્રોટિનમાં નિયાસીન જોવા મળે છે. પરિણામે માંસ ખાતા લોકો કે સમુદાયોમાં આ સ્થિતિ ભાગ્યે જ જોવાતી હોય છે. પેલાગ્રાના લક્ષણોમાં ઝાડા, ઉન્માદ, ચિત્તભ્રંશ અને ચામડીની સમસ્યાઓ મુખ્ય છે. આ ઊણપ ધરાવતી વ્યક્તિ સંતુલિત આહાર અને વિટામિન બી-3 સપ્લીમેન્ટ લઇને ઊણપ દૂર કરી શકે છે.

વિટામિન બી-9ની (ફોલેટ) ઊણપ
ખાસ કરીને ફોલેટ તરીકે ઓળખાતુ વિટામિન બી-9 ( સપ્લીમેન્ટ અથવા પોષકતત્વો ધરાવતા ખાદ્યપદાર્થમાં ફોલિક એસિડ હોય છે) શરીરમાં લાલ રક્તકણો અને ડીએનએ બનાવવામાં શરીરને મદદ કરે છે. તે મગજના વિકાસ અને નર્વસ સિસ્ટમની કામગીરીને પણ મદદરૂપ થાય છે. ખાસ કરીને ગર્ભના વિકાસમાં ફોલેટ ખૂબ મહત્વ ધરાવે છે. ફોલેટ ગર્ભમાં રહેલ બાળકના મગજ તેમજ સ્પાઇનલ કોર્ડના વિકાસમાં મહત્વની ભુમિકા ભજવે છે. ફોલેટની ઊણપથી બાળકમાં જન્મજાત ખોડખાપણ જોવા મળે છે તેમજ વિકાસ પણ રુંધાય છે.
વાલ, મસૂર, ખાટાં ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી, શતાવરી, મરઘાં અને ડુક્કરનું માંસ અને પોષકતત્વ ધરાવતાં અનાજમાં ફોલેટ ભરપુર પ્રમાણમાં હોય છે.
વિટામિન ડીની ઊણપ
શરીરના હાડકાની તંદુરસ્તી માટે વિટામિન ડી જરૂરી છે. દાંત અને હાડકાના વિકાસના નિયમન માટે કેલ્શીયમના યોગ્ય સ્તરને જાળવી રાખવામાં વિટામિન ડી મહત્વની ભૂમિકા ભજવે છે.  શરીરમાં આ ન્યુટ્રિઅન્ટની ઊણપથી હાડકાના વિકાસ રૂંધાતા તે ખામીયુક્ત બને છે. વિટામિન ડી માત્ર કેટલાક ખાદ્યપદાર્થોમાં જ જોવા મળે છે. અનેક ડેરી પ્રોડક્ટમાં વિટામિન ડી હોય છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ વિટામિન ડી મળે છે.
કેલ્શીયમની ઊણપ
કેલ્શીયમ શરીરના હાડકા અને દાંતને વધુ મજબુત બનાવે છે. હ્યદય, જ્ઞાનતંતુ અને સ્નાયુની યોગ્ય કામગીરીમાં પણ તે મદદરૂપ થાય છે. કેલ્શીયમની ઊણપના કોઇ લક્ષણ નથી જોવા મળતા પણ સમય જતા તે વ્યક્તિના સ્વાસ્થય માટે ગંભીર સમસ્યાને જન્મ આપે છે. જો બાળક પૂરતા પ્રમાણમાં કેલ્શીયમ નહીં લે તો શરીર આપના હાડકામાંથી કેલ્શીયમનો ઉપયોગ કરશે કે જેનાથી હાડકાને નુકસાન પહોંચે છે. બાળકો માટે કેલ્શીયમના સ્ત્રોતમાં ડેરી પ્રોડક્ટ જેવી કે દૂધ, દહી, ચીઝ, તોફુ અને હાડકા સાથેની માછલી સામેલ છે. કોબીજ અને બ્રોકોલી જેવા શાકભાજીમાં પણ કેલ્શીયમ પુરતી માત્રમાં હોય છે. તે ઉપરાંત કઠોળ અને કેટલાક અનાજમાં પણ તે ઉપલબ્ધ હોય છે.

આગામી સપ્તાહે ન્યુટ્રિશનની ઊણપના કારણો તેમજ તેને દૂર કરવાના ઉપાયો વિશે ચર્ચા કરીશું.

No comments:

Post a Comment