Wednesday 11 January 2017

નીટઃ મેડિકલ કોલેજોમાં સરળ પ્રવેશ પ્રક્રિયા માટેનું સુદ્રઢ આયોજન

સરકાર દ્વારા સંચાલિત મેડિકલ કોલેજો, ખાનગી કોલેજો, ડિમ્ડ યુનિવર્સિટિઝ અને લઘુમતી સંસ્થાઓમાં એમબીબીએસ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે સમગ્ર ભારતમાં  સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજીબિલિટી કમ એન્ટરન્સ ટેસ્ટ (નીટ)નું આયોજન ચોક્કસપણે એક આવકારદાયક પહેલ છે. ડોક્ટર બનવાનું સપનું જોતાં હજારો વિદ્યાર્થીઓ અને તેમના ચિંતાતુર વાલીઓ માટે આ ખુબજ રાહતની વાત છે કારણકે આ પહેલાં વિવિધ મેડિકલ સ્કૂલ્સ દ્વારા અલગ-અલગ પ્રવેશ પ્રક્રિયાઓ યોજવામાં આવતી હતી અને તેમાં હિસ્સો લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને દેશભરમાં ફરવું પડતું. પરિણામે વાલીઓ ઉપર જંગી નાણાકીય ભારણ પેદા થતું હતું.

મહત્વપૂર્ણ  છે કે સિસ્ટમમાં કોઇપણ બદલાવના સારા અને નરસા એમ બે પાસા હોય છે. મોટાભાગના લોકો નીટની એ બાબત સાથે સંમત થાય છે કે તેનાથી તબીબી શિક્ષણ માટે પ્રયાસ કરનારા ઉમેદવારોની ગુણવત્તામાં સુધારો થશે. જોકે, નીટ મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો એવા સમયે આવ્યો છે કે નીટને આવકારતા લોકો જ તેનો વિરોધ કરી રહ્યાં છે.

મુખ્ય વિરોધ પરિક્ષાની ભાષાનો છે કારણકે નીટની પ્રવેશ પરિક્ષા હિન્દી અને અંગ્રેજીમાં યોજાવા જઇ રહી છે. આથી જે-તે રાજ્યના બોર્ડના સ્થાનિક ભાષામાં અભ્યાસ કરતાં ઉમેદવારો માટે આ પ્રવેશ પરિક્ષા મૂશ્કેલીરૂપ છે. વાલીઓ અને નિષ્ણાંતોનું માનવું છે કે ખુબજ ઓછા સમયમાં કોઇપણ વિદ્યાર્થી અંગ્રેજી ભાષા સાથે નીટની તૈયારી કેવી રીતે કરી શકે? મારો પ્રશ્ન એ છે કે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યાં બાદ વિદ્યાર્થીએ અંગ્રેજી ભાષામાં જ અભ્યાસ કરવો પડશે. શું કોઇ ગુજરાતી મેડિકલ ટેક્સ્ટબુક ઉપલબ્ધ છે?

આંકડા ધ્યાનમાં લેતાં જણાશે કે મોટાભાગની મેડિકલ કોલેજોમાં ટોચના રેન્કર્સ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએટ અને સ્પેશિયાલિટી ડોક્ટર્સ બનવા માટે અંગ્રેજીનું જ્ઞાન હોવું આવશ્યક છે અને મારું માનવું છે કે અંગ્રેજી ભાષામાં નીટ યોજવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ખોટો નથી. જોકે, સુપ્રીમ કોર્ટ છ પ્રાદેશિક ભાષાઓમાં નીટ યોજવા અંગે વિચારણા કરી રહી હોવાના પણ સમાચાર મળી રહ્યાં છે.

બીજો વિરોધ એ છે કે ઘણાં વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરીય પ્રવેશ પરિક્ષાને લક્ષ્યમાં રાખીને તૈયારી કરી હશે અને તેમણે રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરિક્ષા તરફ ધ્યાન આપ્યું જ નહીં હોય. મને આશ્ચર્ય છે કે મેડિકલ કોલેજની રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પ્રક્રિયામાં આટલો મોટો તફાવત હોઇ શકે? શું આ કોલેજોનો અભ્યાસક્રમ અલગ છે કે પછી કોલેજ અલગ છે? અથવા તો શું આ કોલેજોમાં આવતા દર્દીઓ અલગ છે? કોલેજો દ્વારા ડિગ્રી સમાન એનાયત થાય છે ત્યારે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરિક્ષાઓમાં પ્રશ્નો અલગ-અલગ હોવાનો ખોટો વિવાદ ચગાવવામાં આવે છે. તમિળ નાડુમાં મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન (એમસીક્યુ) નથી, જ્યારે કે નીટ પરિક્ષામાં એમસીક્યુ છે. એમસીક્યુ વિના પ્રવેશ પરિક્ષાના મૂલ્યાંકનમાં ઘણો સમય લાગે છે અને તે ખુબજ સબ્જેક્ટિવ રહે છે.

કેટલાંક લોકોનું કહેવું છે કે સીબીએસઇ વિદ્યાર્થીઓને સરળતા રહે તે પ્રમાણે ટેસ્ટ લેવામાં આવે છે. આની સામે દલીલ એ છે કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અનરૂપ રહે તે પ્રમાણે ગુજકેટનું આયોજન કરાય છે. અગાઉના વર્ષોમાં માત્ર ધો. 12ના માર્ક્સને આધારે જ મેડિકલમાં પ્રવેશ અપાતો હતો અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી ગુજરાતી માધ્યમના શિક્ષકો દ્વારા કરાતી હતી. આના કારણે બોર્ડના ટોપર્સ હંમેશા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જ રહ્યાં છે. આ ગુજરાત બોર્ડ દ્વારા તે સમયે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહોતો થતો?


જોકે, હવે સમય અને સંજોગો બંન્ને બદલાયા છે અને ભારતમાં એન્જિનિયરીંગ અને મેડિકલ પરિક્ષાઓનું કેન્દ્રીકરણ થયું છે. આના પરિણામે વિદ્યાર્થીઓ કોલેજોમાં ભાષા ઉપર ધ્યાન આપવાને બદલે વિષય સમજવા ઉપર વધુ ધ્યાન આપી શકશે અને ભવિષ્યમાં આપણી પાસે સારા અને તેજસ્વી પ્રોફેશ્નલ્સ ઉપલબ્ધ બનશે, જેઓ સમૃદ્ધ ભારત માટેનો માર્ગ મોકળો કરશે.

No comments:

Post a Comment