Wednesday, 11 January 2017

ડિમોનેટાઇઝેશનથી શૈક્ષણિક પર થનારી અસર

તાજેતરમાં થયેલા ડિમોનેટાઇઝેશનની અસર અર્થતંત્રના દરેક સેક્ટર્સમાં જોવા મળી છે. બેન્કિંગ, ઇકોમર્સ, ટેલિકોમ જેવા સેકટર્સ પર તેની સકારાત્મક અસર થઇ છે જ્યારે વધુ રોકડ પર નિર્ભર એવા રિયલ એસ્ટેટ અને જ્વેલરી સેક્ટર પર તેની નકારાત્મક અસર જોવા મળી છે. દેશના શૈક્ષણિક ક્ષેત્ર પર પડતી ડિમોનેટાઇઝેશનની ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની અસરો પર ચર્ચા કરીશું.

દેશની કેટલીક સ્કૂલો અને કોલેજો કે જે માત્ર રોકડથી ફી સ્વીકારે છે તેમજ પગાર પણ રોકડથી ચૂકવે છે તેને ટૂંકા ગાળા માટે અસર થશે. માતાપિતાને કેટલાક મહિના રોકડની અછતનો સામનો કરવો પડશે તેમજ સ્કૂલ તરફથી ઉદારતાની અપેક્ષા રાખશે. શહેરોની સ્કૂલો અને કોલેજો મોટા ભાગે ચેક સ્વીકારતી હોવાથી શહેરમાં તેની અસર સામાન્ય રહેશે. દેશમાં કેટલીક એવી સંસ્થા છે જે પ્રવેશ આપવા માટે ડોનેશન તરીકે રોકડનો સ્વીકાર કરે છે તેથી અા પ્રકારની સંસ્થાઓને આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમજ તેના આર્થિક માળખામાં ફેરફાર કરવો આવશ્યક બની રહેશે.

અર્થતંત્રમાં રહેલી અસ્થિરતાથી શૈક્ષણિક સંસ્થાઓએ ફીમાં વધારો મધ્યમગાળા માટે ટાળવો જોઇએ. એક તરફ સાતમા પગાર પંચની ભલામણ ટૂંક સમયમાં અમલી થવાની છે ત્યારે બીજી તરફ દેશના અનેક માતાપિતાને રોજગારી આપતા રિયલ એસ્ટેટ, એગ્રીકલ્ચર તેમજ જ્વેલરી સેક્ટરને અસર થઇ છે. તેથી આગામી બે વર્ષ માટે દરેક કેપિટલ પ્રોજેક્ટમાં વિલંબ અનિવાર્ય છે તેમજ નિવાર્ય ખર્ચને દૂર કરવા જોઇએ.

શૈક્ષણિક સેક્ટર માટે લાંબા ગાળે ડિમોનેટાઇઝેશનના અનેક સકારાત્મક ફાયદાઓ રહેલા છે. હકીકતમાં અર્થતંત્રનું કોઇપણ સેક્ટર જે વાઇટ મનીમાં બેન્ક ફાઇનાન્સ અને આવક મેળવે છે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. શૈક્ષણિક ક્ષેત્ર પણ આ વિભાગમાં યોગ્ય બેસે છે. પહેલા, જમીન માલિકો પાસે તેની જમીન માટે માર્કેટ ઉપલબ્ધ નહીં હોય તેમજ તેઓ સ્કૂલના માલિકોને તેની જમીન લાંબા ગાળા માટે લીઝ પર આપવા માટે તૈયાર થશે. શૈક્ષણિક ક્ષેત્રને થતો લાભ રિયલ એસ્ટેટ સેક્ટર માટે નુકસાન બની રહેશે. જમીન માલિકોમાં આ જમીન લીઝ પર આપવાથી નિયમીતપણે મળતી સ્થિર આવકની આશા જોવા મળશે, આ પ્રકારની સ્થિર આવક વર્તમાન સમયમાં મેળવવી ખૂબ મુશ્કેલ છે. સ્કૂલના માલિકો સાનુકૂળ રીતે જમીન પ્રાપ્ત કરી શકશે તેમજ બેન્ક તેને આર્થિક સહાય આપવા માટે પણ તૈયાર રહેશે. બેન્ક શૈક્ષણિક ક્ષેત્રને ઉધાર રોકડ આપવા માટે સલામત ક્ષેત્ર માને છે. બેન્ક પાસે રહેલા વિશાળ ભંડોળને કારણે વ્યાજદરમાં ઘટાડો થવાથી દેશભરના શહેરોમાં નવી શૈક્ષણિક સંસ્થાઓના નિમાર્ણ માટે આ આદર્શ જોડાણ બની રહેશે.

બેન્ક સ્કૂલ અને કોલેજના નિમાર્ણ માટે આર્થિક સહાય પૂરી પાડતી હોવા ઉપરાંત શૈક્ષણિક લોન મારફતે પણ આર્થિક સહાયતા પૂરી પાડે છે. બેન્ક પાસે પર્યાપ્ત પ્રમાણમાં ફંડ હોવાથી બેન્ક શૈક્ષણિક લોનના દરોમાં પણ કાપ મૂકશે. અનેક ભારતીયોની પહોંચની બહાર એવા ખર્ચાળ કોલેજ શિક્ષણ પર તેની સકારાત્મક અસર જોવા મળશે. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સારો પગાર મેળવે છે અને લોનની ચૂકવણી કરી શકતા હોવાથી મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ જે ખર્ચાળ હોય છે તેનું બેન્કોમાં લેન્ડિંગ રિસ્ક પણ અોછુ થશે. તેનાથી ગુણવત્તાસભર શૈક્ષણિક સંસ્થાઓનું આંતરમાળખુ બનાવવામાં મદદ મળશે તથા ભારતીયોને યોગ્ય કારકિર્દીના ઘડતર માટેનું વાતાવરણ પણ મળી રહેશે.

એકંદરે શૈક્ષણિક ક્ષેત્ર પર ડિમોનેટાઇઝેશનની સકારાત્કમ અસર જોવા મળશે.

No comments:

Post a Comment