Wednesday 11 January 2017

ટ્રાફિક સુરક્ષાઃ શું શાળા કોઈ ફેર પાડી શકે?

તાજેતરમાં શાળાએથી પાછા ફરતાં બે છોકરાઓના થયેલા મૃત્યુએ આપણા દેશની અત્યંત મહત્વપૂર્ણ સમસ્યાઓ તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે – માર્ગ અકસ્માત અને મૃત્યુ.

આંકડાઓ અત્યંત ગંભીર છે – ભારતમાં દર કલાકે 15 લોકોના તથા દરરોજ 20 બાળકોના મૃત્યુ થાય છે. અકસ્માતને કારણે વિકલાંગતાનો ભોગ બનનાર લોકોનો આંકડો વાર્ષિક પાંચ લાખ જેટલો છે. સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ માર્ગ સુરક્ષાની રીતે ભારત ચીન પછી બીજા ક્રમે છે. આપણા દેશમાં વિશ્વના 1 ટકા જેટલા વાહનો છે પરંતુ માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુનો દર 10 ટકા જેટલો છે.

તો શાળાઓ, માતાપિતા અને દેશ આ પ્રકારના આકસ્મિક મૃત્યુ અને વિકલાંગતામાં ઘટાડો કરવા શું કરી શકે? લગભગ 24.9 ટકા મૃત્યુ દ્વિ-ચક્રીય વાહનો પર થાય છે. દ્વિ-ચક્રીય વાહનો પર અકસ્માતમાં થતાં મૃત્યુ ટાળવા માટેનો સૌથી સરળ રસ્તો છે હેલ્મેટ પહેરવું. મારા ધ્યાનમાં આવેલા દ્વિ-ચક્રીય વાહનો પર થતાં મોટાભાગના કિસ્સામાં ચાલકે હેલ્મેટ પહેર્યું ન હતું. મારું માનવું છે કે શાળાઓ તથા માતાપિતા હેલ્મેટને પ્રાથમિક જરૂરીયાત તરીકે સરળતાથી અમલમાં લાવી શકે.

અકસ્માતથી થતાં કુલ મૃત્યુના 10.8 ટકા મૃત્યુ કારમાં થાય છે. કારમાં અકસ્માતે મૃત્યુ નિવારવાનો સૌથી સરળ રસ્તો છે સીટ બેલ્ટનો ઉપયોગ. યુકેમાં થયેલા એક સંશોધન અનુસાર સીટ બેલ્ટના ઉપયોગથી 45 ટકા કિસ્સાઓમાં કારમાં આગળ બેઠેલાઓનું મૃત્યુ ટાળી શકાયું હતું. વધુમાં એરબેગ તો જ ખૂલે છે જો સીટ બેલ્ટ બાંધેલો હોય. ભારતમાં આગળ બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ બાંધવાનું 1994થી ફરજીયાત બનાવવામાં આવ્યું છે છતાં હજુ પણ 99 ટકા લોકો સીટ બેલ્ટ બાંધતા નથી.

સીટ બેલ્ટ તથા હેલ્મેટ જેવા સુરક્ષા સાધનોના ઉપયોગથી મૃત્યુદરને ઘટાડી શકાય. માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુનો અહેવાલ આપતી વખતે અખબારોએ લખવું જોઇએ કે 50 ટકા મૃત્યુના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળે તો મૃત્યુ નિવારી શકાય છે.

આમાંથી કેટલાક દૂરના વિસ્તારોમાં થતાં હોય છે. પરંતુ જો અકસ્માતનો બનાવ નજરે પડે તો શું કરવું જોઇએ તેની યોગ્ય તાલીમ નાગરીકોને આપવામાં આવે તો ઘણાં લોકોનો જીવ બચાવી શકાય. લોકોને અકસ્માતની જાણ કરવાની પ્રક્રિયા તથા તેમાં રહેલી તકલીફો અંગે ખ્યાલ હોવો જોઇએ. જો વ્યક્તિને અકસ્માત માટે આરોપી બનાવી દેવામાં ન આવે તો અકસ્માત જોનાર કોઈપણ વ્યક્તિ 108ને ફોન કરશે.

શરાબ પીને વાહન ચલાવવું એ માર્ગ અકસ્માતનું વધુ એક મહત્વપૂર્ણ કારણ છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી શરાબ પીને વાહન ચલાવવાથી થતાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ખૂબ ઓછું છે. આનું પ્રમાણ એ છે કે ગુજરાતનું કોઈ પણ શહેર દેશના માર્ગ અકસ્માતની દૃષ્ટિએ ટોચના 10 શહેરોમાં સ્થાન પામતું નથી.

અમદાવાદ કરતાં નાનાં શહેરો જેવા કે નાશીક, જયપુર, કોચી, તિરૂવનંતપુરમમાં માર્ગ અકસ્માતથી થતી ઇજાઓનું પ્રમાણ વધારે છે અને આ તમામ શહેરોમાં દારૂબંધી નથી. તમારા લોહીમાં શરાબનું પ્રમાણ વધારે હોય તો ઉબેર/ઓલા જેવી ટેક્સી સેવાઓનો ઉપયોગ કરવો જ સૌથી સરળ ઉકેલ છે.

ટ્રાફિકના નિયમોનાં પાલન અંગે પણ ભારતમાં ઘણાં સુધારની જરૂર છે. સ્પીડ લિમિટમાં વાહન ચલાવવું, રોડના સાઇનેજ જોઇને ઊભા રહેવું અને યોગ્ય દિશામાં વાહન ચલાવવું વગેરે જેવા સરળ નિયમોનું પાલન કરવાથી મૃત્યુથી બચી શકાય છે.

બાળકો સામે યોગ્ય આદર્શો હોવા જોઇએ. અત્યંત ઝડપે વાહન ચલાવતાં અને રોડ પર સ્ટંટ કરતાં લોકો પોતાના પરિવારની ચિંતા કરતા નથી. માતા-પિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતું બાળકો અનાથ બની જાય છે. તેમનામાં માનવ જીવનનું મૂલ્ય સ્થાપિત કરવું જોઇએ અને આમ કરવાથી જ તેઓ મોટા થઈને એક જવાબદાર નાગરિક બનશે. 


No comments:

Post a Comment