અમદાવાદમાં એવી ઘણી સ્કૂલ છે કે જે ધો.11 અને 12માં જરૂરી એવી 80 ટકા હાજરી કરતા પણ ઓછી હાજરી માટે મંજૂરી આપે છે. હંમેશ પ્રમાણે સ્કૂલનો વાંક કાઢવામાં આવે છે જ્યારે માતા-પિતા અને પુખ્ત વયના વિદ્યાર્થીઓ સભાનપણે આ પ્રકારની સ્કૂલમાં પ્રવેશ લેવાનો આગ્રહ રાખે છે કારણ કે તેઓ ધો.11 અને 12ના સ્કૂલમા અપાતા શિક્ષણમાં ધ્યાન આપવા કરતા કોલેજમાં સરળતાથી મળતા પ્રવેશની વધારે ઇચ્છા રાખતા હોય છે. તેનાથી કાયદાનુ પાલન કરનારા હોશિયાર વિદ્યાર્થીઓ પર તેની અસર થાય છે. આ વિદ્યાર્થીઓએ સ્કૂલમાં હાજર રહેવાની સાથે સાથે ટ્યુશન ક્લાસમાં પણ જવાનુ હોય છે તેમજ સ્કૂલમાં હાજર ના રહીને સમય બચાવનારા વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા પણ કરવાની હોય છે. તેનો ભોગ બનનારા બીજા લોકોમાં ડમી સ્કૂલ પસંદ કરનારા વિદ્યાર્થીઓ જાતે જ છે. સારા શૈક્ષણિક પ્રદર્શન માટે અત્યંત દબાણ અને દરેક પ્રકારના વિકાસથી વંચિત રહેતા આ પ્રકારના વિદ્યાર્થીઓ માનસિક રોગના શિકાર બને છે. બેશકપણે આપઘાતના કેસથી આ સાબિત થઇ ચૂક્યું છે.
તેનુ મુખ્ય કારણ કોલેજમાં પ્રવેશ માટેનો મર્યાદિત માપદંડ છે. કોલેજમાં એડમિશન વખતે માત્રને માત્ર પ્રવેશ પરીક્ષાના માર્કસ પર ધ્યાન આપવાથી સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા અસંગત સાબિત થાય છે. પ્રોફેશનલ ડિગ્રી મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે માત્ર પ્રવેશ માટેના માર્કસ જ મહત્વ ધરાવતા હોવાથી તેઓ સ્કૂલે જવાનુ પણ ટાળે છે.
જો આપણે આ જ પ્રથાને લગ્નપ્રથા સાથે સરખામણી કરીએ તો છોકરાને માત્ર તેના પગાર કે છોકરીને તેના દેખાવથી લગ્ન માટે પસંદ કરવી તે આપણી સંસ્કૃતિમા માન્ય નથી. તે યોગ્ય પણ ના કહેવાય. લગ્ન માટે છોકરા કે છોકરીની પસંદગી કરવા માટે આપણે તેના કુંટુબનુ બેકગ્રાઉન્ડ, જાતી, કુંડળી,
ઊંચાઇ અને અંતે સૌથી જરૂરી એવી શૈક્ષણિક લાયકાતને પણ ફરજીયાત રીતે ધ્યાનમાં રાખીએ છીએ. જો લગ્નની બાબતમાં માત્ર કેટલીક માહિતીથી છોકરી-છોકરાની પસંદગી નથી થતી તો શા માટે મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજમાં ખોટી રીતે વિદ્યાર્થીએને પ્રવેશ આપવામાં આવે છે.
તો વિશ્વમાં સારી કોલેજમાં કેવા પ્રકારના વિદ્યાર્થીને પ્રવેશ આપવો તે કઇ રીતે નક્કી થાય છે ?
અનેક દાયકાઓનો અનુભવ ધરાવતી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ઉત્તમ હોય છે. તેઓ માત્ર પ્રવેશ પરીક્ષામાં મેળવેલા માર્કસને ધ્યાનમાં નથી રાખતા. તે માત્ર વિદ્યાર્થીઓની ક્ષમતા દર્શાવે છે પણ સંપૂર્ણ માપદંડ કરવુ તો જરૂરી બને છે. SAT, TOEFL, IELTS અને અન્ય પ્રવેશ પરીક્ષામાં સારા માર્કસ હોવા ઉપરાંત તમારી પાસે લાયકાતના પ્રમાણપત્રો હોવા પણ અાવશ્યક છે. ચાલો જોઇએ કેવી રીતે..
- સ્કૂલ રિર્પોટ અને તેની નકલ : હાઇસ્કૂલ નકલ એ સામાન્યપણે તમારી ધો.7થી મેળવેલી શૈક્ષણિક સિદ્વિઓનો રેર્કોડ છે. તેમા તમે પસંદ કરેલા વિષયોની માહિતી હોવાની સાથે દરેક વર્ગમાં તમે હાંસલ કરેલા ગ્રેડ પણ સામેલ હોય છે અને કેટલીકવાર તેમા અન્ય પરીક્ષાના માર્કસ અને આપે મેળવેલ એવોર્ડ પણ દર્શાવેલ હોય છે.
- કાઉન્સિલરની ભલામણ: શૈક્ષણિક અને વ્યક્તિગત લાક્ષણિક્તા દર્શાવતી બાબતોનુ મુલ્યાંકન, અરજદારના પ્રદર્શનનો સંદર્ભિત અભિપ્રાય તથા સમસ્યારૂપ વર્તન કે જેનો એડમિશન કમિટીએ અભ્યાસ કરવો જોઇએ.
- સ્કૂલની માહિતી : વિદ્યાર્થીએ કઇ પ્રકારની સ્કૂલમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે માહિતી આપવી જરૂરી છે. તેના માટે એક માળખુ ઉપલબ્ધ હોય છે જેમાં વિદ્યાર્થીઓના એવરેજ માર્કસ,સિદ્વિઓની યાદી, સરકારી જોડાણ અને અન્ય કેટલીક બાબતોના ડેટા દર્શાવેલા હોય છે.
- બે શિક્ષકોનુ મૂલ્યાંકન : કોઇપણ બે શિક્ષક કે જેમણે છેલ્લા ત્રણ વર્ષમાથી ઓછામાં ઓછા એક વર્ષ માટે આ વિદ્યાર્થીને કોઇપણ વિષય ભણાવ્યો હોય તેમણે તેનુ મૂલ્યાંકન આપવાનુ રહે છે.
- કલાત્મક પ્રવૃત્તિ : જો વિદ્યાર્થી કોઇપણ કલાત્મક પ્રવૃત્તિમાં આવડત ધરાવતો હોય તો એડમિશન ફોર્મમાં તે દર્શાવી શકે છે. તેનાથી જો ઉપરની કેટલીક બાબતો નહીં પણ હોય તો પણ વિદ્યાર્થીને પ્રવેશ મળી શકશે.
- રમતગમતની સિદ્વિઓ : પ્રવેશ માટે કલાત્મક પ્રવૃત્તિઓની જેમ રમતગમતની સિદ્વિઓને પણ એટલુ જ મહત્વ આપવામાં આવે છે. તેનાથી જે વિદ્યાર્થી રમતગમતમાં ઉત્તમ સિદ્વિઅો ધરાવતો હોય તેને સારી કોલેજમાં પ્રવેશ મળી શકે છે. સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થીએ પણ કળા કે રમતગમત ક્ષેત્રે કારર્કિદી બનાવવા માટે કેટલાક અભ્યાસનો ત્યાગ કરવો પડે છે. તેથી એડમિશન કમિટી પ્રવેશ આપતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખે છે.
- ભલામણ કરતો વૈકલ્પિક લેટર : કોઇપણ વિદ્યાર્થી કોઇ વ્યક્તિ કે જે તેમને સારી રીતે ઓળખતુ હોય તેની પાસેથી ભલામણપત્ર મેળવી શકે છે. તેનાથી એટલો ફરક નથી પડતો પણ વિદ્યાર્થીની કેટલીક છુપાયેલી ગુણવત્તાઓ સામે આવી શકે છે.
પ્રક્રિયા સરળ છે. તેઓની પરીક્ષામાં કટઓફ માર્કસ હોય છે પણ તે ભારતીય કોલજમાં હોય તેટલા વધારે નથી હોતા. કટઓફ યોગ્ય છે જેથી કરીને પસંદ થયેલા વિદ્યાર્થીઓ ઉપલબ્ધ સીટોની સરખામણીએ બે ગણા વધારે હોય. એડમિશન કમિટી અરજીમા દર્શાવેયાલા સાત ડોક્યુમેન્ટની ચકાસણી કરી છે અને ત્યારબાદ તેમાથી અડધા જેટલા નાબુદ કરે છે.
ભારતની ટોચની 100 કોલેજમાં પ્રવેશ મેળવવા માટે જો આપણે વિસ્તૃત માપદંડની પદ્વતિ સ્વીકારીએ તો સંપૂર્ણ દેશ તેને અનુસરશે. તેનાથી વિદ્યાર્થીઓમાં આત્મહત્યાની સમસ્યા, ગેરકાયદેસર ડમી સ્કૂલ, ટ્યુશન ક્લાસ દ્વારા ઊઘાડી લૂંટ તથા પોતાની બુકની બહારની કોઇ બાબત ના જાણતા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો જેવી બધી જ સમસ્યાઓનો નાશ થશે.
ભારત વર્ષોથી સતત વિકાસ પામી રહ્યું છે ત્યારે આપણે વિકસીત દેશોના પગલે ચાલવુ જોઇએ અને આપની ભવિષ્યની પેઢીનો કૃત્રિમ પ્રવેશ પરીક્ષાના માર્કસ કરતા સૈદ્વાંતિક જ્ઞાન આધારિત નક્કર પાયો નાખવો જોઇએ.
No comments:
Post a Comment