Wednesday, 11 January 2017

શુ હાથ લખાણ આજે પણ પહેલા જેટલુ જ મહત્વ ધરાવે છે ?

આજના ટેક્નોલોજીના જમાનામાં હાથ લખાણને ગ્રામોફોન રેર્કડ જેટલુ જ જૂનુ ગણવામાં આવે છે. હાથના લખાણ પ્રત્યેનો લોકોનો અભિગમ એક મહત્વની આવડતથી તબદીલ થઇને અનઆવશ્યક વસ્તુમાં ફેરવાઇ ચૂક્યો છે. જો તમે કોઇ વ્યક્તિને કામે રાખવા માગો છો તો શુ તમે એવા વ્યક્તિની પસંદગી કરશો કે જે ટાઇપિંગમાં સારી ઝડપ ધરાવતી હોય અથવા સુંદર હાથ લખાણ સાથે ઝડપી લખતી હોય?

પ્રમાણિકપણે તમે તેના હાથ લખાણની દરકાર કર્યા વગર તે જરૂરી કામ કરી જાણે છે તેના આધારે તેની નિમણુંક કરશો. વર્તમાન સમયમા જ્યારે મોબાઇલ હોય કે કમ્પ્યુટર મોટા ભાગના કામ કિબોર્ડ મારફત કરવામાં આવે છે ત્યારે હજુ પણ હાથ લખાણ મહત્વ ધરાવે છે કે કેમ ?

આ વિષય પર અનેક યુનિવર્સિટી, ડોકટર્સ અને શિક્ષકોએ રિસર્ચ કર્યુ છે. રિસર્ચના તારણમાં હાથના લખાણના ઉપયોગથી મગજના વિકાસને લગતા કેટલાક રસપ્રદ પાસાઓ સામે આવ્યા છે.

એક અંદાજ મુજબ પ્રી સ્કૂલના 33 ટકા બાળકો હાથ વડેના લખાણમાં મુશ્કેલી અનુભવે છે. સમય જતા જેમ તેઓ મોટા થાય છે તેમ સ્નાયુઅોમાં સુધારો અને મગજની પ્રવૃત્તિ વધતા હાથનુ લખાણ સુધરે છે. ખરાબ હાથ લખાણથી સ્વાભિમાન પર અસર થાય છે અને માહિતીમાં સુધારો કરવો મુશ્કેલ બને છે. આ પરિબળથી શૈક્ષણિક પ્રદર્શન પર અસર થાય છે.

જ્યારે વિદ્યાર્થીઓ હાથ લખાણની આવડત પર પર્યાપ્ત રીતે ધ્યાન નથી આપતા ત્યારે તેની નકારાત્મક અસર લાંબા સમય સુધી રહી શકે છે. હાથ લખાણની સતત પ્રેક્ટિસ ના કરવામાં તો રિસર્ચ પ્રમાણે વિદ્યાર્થીને વાંચન અને લખાણમા સફળતા મેળવવા માટેની કેટલીક આવશ્યક પ્રક્રિયામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જેમા નીચેની બાબતો સામેલ છે.

  • સ્મરણશક્તિમાંથી અક્ષરોની પુનઃપ્રાપ્તિ
  • પેપર પર અક્ષરનુ પુન:સર્જન
  • ચોકસાઇપૂવર્કની જોડણી
  • શબ્દો કે લેકચરમાંથી અર્થ શોધવો
  • બ્દો અને વાક્યાંશનુ અર્થઘટન કરવુ 

ભારતમાં આજની તારીખે પણ પેપરમાં જવાબ લખવામાં આવે છે અને સવાલો પણ નિંબધ પ્રકારના પુછાય છે. તેથી તેમા કોઇ શંકા નથી કે જો તમારે સ્કૂલમાં સારા માર્કસ સાથે પાસ થવુ હોય તો સારુ હાથ લખાણ હોય તે અતિ આવશ્યક છે. કોલેજમાં પણ લેક્ચરમાં જરૂરી નોટ્સમાં સુવાચ્ય હોય તેવુ ઝડપી લખાણ હોય તે જરૂરી છે.

વિશ્વના અનેક દેશોમાં કોલેજ જતા વિદ્યાર્થીઓ પર હાથ લખાણની અસર સંદર્ભે કેટલાક પ્રયોગ કરવામાં અાવ્યા છે. એક રિસર્ચમાં બે ગ્રુપ બનાવાયા, જેમા એક ગ્રુપ લેપટોપ પરથી નોટ્સ મેળવતુ હતુ અને અન્ય ગ્રુપ નોટપેડ પર નોટ્સ પ્રાપ્ત કરતું હતું. વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ ગ્રુપની પસંદગી કરી. તેઓનુ શૈક્ષણિક પ્રદર્શન મિશ્ર હતું - બન્ને ગ્રુપમાં થોડાક ટોપર્સ અને કેટલાક સામાન્ય વિદ્યાર્થીઅો સામેલ હતા. એક સેમેસ્ટર બાદ તેના માકર્સની સરખામણી કરવામાં આવી તો જાણવા મળ્યું કે હાથ લખાણની નોટ લેતા વિદ્યાર્થીઓની વિષયની સમજ લેપટોપનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓથી વધુ હતી.

રિસર્ચનુ તારણ એટલુ નોંધપાત્ર હતુ કે જે વિદ્યાર્થીઓએ હાથથી લખ્યુ અને જે વિદ્યાર્થીઓએ ટાઇપ કર્યુ હતુ તેઓના મગજ પર થનારી અસરને ચકાસવા માટે FMRI – ફંકશનલ મેગનેટિક રેઝોનન્સ ઇમેજિંગનો ઉપયોગ કરાયો હતો અને ન્યુરોલોજિસ્ટ પણ સામેલ હતા. તારણ એ હતુ કે નોટ્સ હાથથી લખવામા આવી ત્યારે મગજમા નવા જોડાણો જોવા મળ્યા હતા. હાથ લખાણમાં વધારે ઇન્દ્રિયો સામેલ હોવાથી હાથના લખાણથી નોટ્સને સારી રીતે યાદ રાખી શકાય છે.

હાથથી લખવાની મુખ્ય બે પદ્વતિ છે - બિન વળાંકવાળા અને એવા અક્ષરો કે જે એકબીજાને અડતા નથી કે જેને સામાન્ય લખાણ પણ કહેવાય છે અને અન્ય પદ્વતિ વળાંકવાળી છે એટલે કે તમે પેન ઉપાડ્યા વગર લખાણ લખો છો. ભારતમાં વિદ્યાર્થીઓ ઝડપી લખી શકે તે માટે તેઓને વળાંકવાળી પદ્વતિનુ લખાણ શીખવાડવામાં આવે છે. આ પદ્વતિથી તેઓને નોટ્સના લખાણમાં અને પરીક્ષામાં મદદ મળી રહે છે.

તેથી રિસર્ચ કરનારા લોકોએ આ પાસાનો પણ અભ્યાસ કર્યો. રિસર્ચ એવુ કર્યુ કે શુ વળાંકવાળા અક્ષરની પદ્વતિ અને બિનવળાંક વાળા અક્ષરની પદ્વતિથી વિદ્યાર્થીઓના માકર્સ પર તેની અસર પડે છે કે નહીં ? જો કે બન્ને લખાણની પદ્વતિના પરિણામ વચ્ચે બહુ ફરક નથી જોવા મળ્યો. તેથી જ્યાં સુધી હાથ લખાણ સુવાચ્ય હોય ત્યાં સુધી આ બાબત મહત્વની નથી.

કેટલાક રિસર્ચ અને પ્રયોગોનુ સૌથી મહત્વનુ તારણ એ હતુ કે જ્યાં સુધી હકીકતલક્ષી જ્ઞાનનો સવાલ છે ત્યાં સુધી લેપટોપ અને નોટપેડ ધરાવતા વિદ્યાર્થીઓનુ પ્રદર્શન સમાન રહ્યું છે. જો કે કાલ્પનિક સમજમાં નોટપેડ ધરાવતા વિદ્યાર્થીઓનુ પ્રદર્શન ટાઇપ કરતા વિદ્યાર્થીઓથી સારુ રહ્યું છે.

તેથી એ તો સાબિત થાય જ છે કે આજના જમાનામાં પણ હાથ લખાણ પહેલા જેટલુ જ મહત્વ ધરાવે છે. આપણે બાળકને ''મોતીના દાણા જેવા અક્ષર'' કરવા માટે દબાણ કરવા કરતા તે ઝડપી અને વંચાય તેવુ લખે તે માટેની તાલીમ આપવી જોઇએ. આ તાલિમ તેઓને જીવનભર કામ આવશે.

No comments:

Post a Comment